News of Friday, 26th September 2025
વડોદરાના એક ગરબા મહોત્સવમાં કપલનો કિસ કરતો વિડિઓ વાયરલ થતાં સમગ્ર સંત સમાજમાં નારાજગી
આવા અશ્લીલ વીડિયોઝ માટે જવાબદાર યુવક-યુવતી તેમજ તે વિડિયો શૂટ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ

અમદાવાદ :નવરાત્રિ જેવા પાવન તહેવાર દરમિયાન વડોદરાના એક ગરબા મહોત્સવમાં કપલનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, સમગ્ર સંત સમાજમાં નારાજગી ફેલાઈ છે. આ ઘટનાને લઇને મહંત યોગી દેવનાથ બાપુએ કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, નવરાત્રી એ સનાતન ધર્મની સંસ્કૃતિ અને માતાજીની આરાધનાનું પર્વ છે. આવા વિધર્મી કાર્યોથી સંસ્કૃતિને વિકૃતિ તરફ દોરવામાં આવી રહી છે.
યોગી દેવનાથ બાપુએ મીડિયાની સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આજે ગરબા મેદાનમાં જે ન થવાનું હોય તે થઈ રહ્યું છે. આ ઘટના માત્ર એક વીડિયો સુધી સીમિત નથી, પણ એ સમાજના સાંસ્કૃતિક પાયા માટે ગંભીર ચેતવણી છે.
બાપુએ માંગ ઉઠાવી કે આવા અશ્લીલ વીડિયોઝ માટે જવાબદાર યુવક-યુવતી તેમજ તે વિડિયો શૂટ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું, ગરબા આયોજકોની પણ જવાબદારી નકારી શકાય નહીં. આવા કૃત્યો અંગે બેદરકારી દાખવવા પર તેમ પણ કાર્યવાહી થવી જોઈએ.માત્ર સોશિયલ મીડિયામાં ચિંતા વ્યક્ત કરવાથી નહિ ચાલે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓને ગંભીરતાથી લઇને યોગ્ય પગલાં લેવા જોઈએ.
નવરાત્રિને શક્તિની ઉપાસના માટે સમર્પિત તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય માનવામાં આવે છે. જો કે આજની પેઢી તહેવારની માન અને મર્યાદાનું ભાન ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આજની યુવા પેઢી માટે નવરાત્રિનો પવિત્ર તહેવાર જાણે ફેશન બની ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. યુવક યુવતીઓમાં રિલ બનાવવાનું ભૂત વળગ્યું છે. ગરબામાં પણ યુવક યુવતીઓ રમવા નહીં પણ રીલ બનાવવા જતા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના એક વીડિયો વાયરલ થયો છે જેમાં કપલે શરમ નેવે મુકીને રીલ બનાવી હતી. આ વીડિયોની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
વડોદરામાં યુનાઈટેડ-વેના પ્રસિદ્ધ ગરબામાં કપલની અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે.યુવક-યુવતીએ ભાતીગળ સંસ્કૃતિ લાંછન લગાડતો વીડિયો બનાવ્યો છે. જેમાં ગરબાના મેદાનમાં રીલ બનાવવા માટે લાજ-શરમ અને લજ્જા નેવે મુકી દીધી છે. ખેલૈયાઓથી ભરાયેલા મેદાનમાં યુવક-યુવતીએ અશ્લીલ વીડિયો બનાવ્યો છે, જે વાયરલ થતાં જ હડકંપ મચી ગયો છે.
વીડિયો વાયરલ થતા ખેલૈયાઓ અને લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ગરબાના પંડાલમાં જ કપલ ચુમાચાટી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક યુવતીને પહેલા કિસ કરે છે અને પછી ઉંચકીને ફરી એક વખત કિસ કરે છે. ગરબા મેદાનમાં પવિત્રતા જળવાતી ન હોવાનો આયોજકો પર સવાલ ઉભા થયા છે, તેમજ આયોજકો સામે કડક કાર્યવાહીની લોકમાગ ઉઠી છે.વીડિયા સામે આવ્યા પછી અન્ય યુવાનો પણ ગેરમાર્ગે દોરાય તેવી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
