News of Saturday, 27th September 2025
એ વિસ્ફોટક વાતચીતની ઓડિયો કોણે વાયરલ કરી?

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૭: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વચ્ચે થયેલ વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને આ ક્લીપ કોણે વાયરલ કરી એ પ્રશ્નએ ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાતમાં સ્થિતિ એ છે કે લગભગ એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ભાજપમા અંદરો-અંદર વિખવાદ ન હોય. સૌરાષ્ટ્રમાં આ વિખવાદમાં અમરેલી જિલ્લો અગ્રેસર છે ત્યારે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વચ્ચે થયેલ સ્ફોટક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં સી.આર.પાટીલ ધારાસભ્ય વેકરીયા ને ફોન કરે છે ત્યારે વેકરીયા રામ રામ બોલે છે. ત્યાર બાદ સી.આર. પાટીલ કહે છે કૌશિક મેં તને ફોન કર્યો પછી whatsapp કોલ પણ કર્યો છતાં તારો ફોન ન આવ્યો. વેકરીયા જવાબ આપે છે સર તમારું કામ કરી દીધું છે. અધિકારીઓને વાતચીત કરી લીધી છે. મોટાભાઈના વિસ્તારનું હતું તરત જ મેં કરી દીધું. ત્યારબાદ સી.આર પાટીલ વેકરીયાને કહે છે કે તારે મને કહેવું તો જોઈએ ને મને ખબર તો પડે વેકરીયા કહે છે સોરી સાહેબ.
ત્યારબાદ સી.આર. પાટીલ વેકરીયા ને કહે છે તમારા કિલ્લાના કાંગરા... આખો કિલ્લો એક સાથે ન પડે વેકરીયા,ધીમે ધીમે પડે તું જો તું ધ્યાન નહીં આપે ને... તારી છાપ સારી હતી પણ હવે ધીમે ધીમે બગડતી જાય છે. ત્યારે વેકરીયા કહે છે ના સર એવું નથી. પછી સી.આર. પાટીલ વેકરીયાને ઠપકાના સ્વરૂપમાં કહે છે મને કોઈ મતલબ નથી મેં જ તને મોટો કર્યો પણ હવે મને જ એવું લાગે છે કે તું બધું સાચવીશ નહીં ! આ તને ડેમેજ થશે હવે પછી ઈમેજ નહીં સુધરે તો નુકસાન થશે. તારા દુશ્મનો તો ઘણા બધા છે. વેકરીયા જવાબ આપે છે હા સર એ તો છે જ.
મોટા નેતાઓ ત્યારે પાટીલ ફરી વખત વેકરીયાને ટકોર કરે છે મને નથી લાગતું કે તું એટલો સક્રિય કે ચિંતીત હોય.
છેલ્લે સી.આર. પાટીલે વેકરીયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એવું નહીં માનતા કે કોઈ કાંઈ કરવાનું નથી !
ભાજપમાં આ ઓડિયો ક્લિપે ઘમાસણ તો મચાવ્યું જ છે પણ ભાજપના આ બંને મોટા નેતાઓ વચ્ચે થયેલ વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કોણે કરી ? હાલ બધાને એક જ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ બંનેમાંથી એક પણ નેતા આ ઓડિયો ક્લિપ વાયરલ ન જ કરે આમ છતાં કોણે આ ક્લિપ વાઇરલ કરી તે ચર્ચાનો વિષય બન્યો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
