<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

"આમ આદમી પાર્ટી"ના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત 2 મહિનામાં 1000 સભાઓ પુર્ણ: 25,000થી વધુ ભાજપ-કોંગ્રેસના આગેવાનો, સામાજિક આગેવાનો અને અલગ અલગ સંસ્થાના આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા : 12000 ઉમેદવાર ચુંટણીમાં ઉભા રાખશે: ઈસુદાન ગઢવી

આગામી સમયમાં 50 લાખ લોકોને AAPમાં જોડવાનો પ્લાન:ગુજરાતની ચુંટણીમાં AAP નિમિત્ત બનશે, ભાજપ વિરુદ્ધ જનતા અસલી ચૂંટણી લડશે : 1000 સભાઓ યોજવામાં આવશે: 3 ઓક્ટોબરથી તાલુકા લેવલે મેમ્બરશીપ અભિયાન :ડોર ટુ ડોર અભિયાન દ્વારા 4 લાખ લોકો AAPમાં જોડાયા : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ

રાજકોટ તા.૨૭

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત જોડો જનસભાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2000 સભાઓ કરવાનો અમારો ટાર્ગેટ છે, જેમાંથી છેલ્લા બે મહિનાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા 1000 સભાઓ કરવામાં આવી છે . જેમાં અમારા 100 જેટલા લીડરોએ વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની સાથે સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડમાં સભા કરી છે. આ સભામાં મોટી સંખ્યામાં ગુજરાતની જનતા ઉમટી રહી છે. આ સભામાં 25,000થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમાં સામાજિક આગેવાનો, ભાજપ અને કોંગ્રેસના જિલ્લા-તાલુકા વોર્ડના હોદ્દેદારો જોડાયા છે અને આગામી દશેરા પછી ફરીથી બીજી હજાર સભાઓ કરવાનું અમે આયોજન કર્યું છે. અત્યારે જિલ્લા લેવલે અમારું આ કેમ્પેઇન ચાલુ હતું. હવે ત્રણ તારીખથી તાલુકા લેવલે અમે અમારું કેમ્પેઇન શરૂ કરવાના છીએ. 

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આઠ લાખ ઘરો સુધી અમારી ટીમ ડોર ટુ ડોર મેમ્બરશીપ માટે ગઈ છે. જેમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવી છે એટલે કે ઘર ઘર સુધી પહોંચવાથી 50% લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે તેથી આ અભિયાન શરૂ કર્યું છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નિમિત બનવાની છે જે લોકો સારું કામ કરવા માંગે છે, જે લોકો ભાજપથી ત્રસ્ત છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતે ચૂંટણીઓ લડે અને નેતૃત્વ કરે અને એમના સમાજ, જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે. આગામી ચૂંટણીમાં અમે 12000 લોકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા રાખવાના છીએ.આગામી સમયમાં 50 લાખ એક્ટિવ મેમ્બર જોડવાનો અમારો ટાર્ગેટ છે.

(4:15 PM IST)