તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
અમદાવાદના દરિયાપુરમાં પોસ્ટર વોર પર પોલીસ હરકતમાં આવી
બંને કોમ તરફથી પોતાના ધર્મ સંદર્ભે લાગ્યા પોસ્ટરઃપોલીસે તત્કાળ તમામ વિવાદાસ્પદ પોસ્ટર્સને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

અમદાવાદ,તા.૨૭
અમદાવાદ શહેરના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં તાજેતરમાં ધાર્મિક પોસ્ટર્સને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ વિસ્તારમાં એક સાથે બે ધર્મને લગતા પોસ્ટર્સ લાગતાં વાતાવરણ તંગ બન્યું હતું અને તેને 'પોસ્ટર વોર' તરીકે જોવામાં આવી રહ્યું છે. વિવાદની શરૃઆત 'I LOVE MUHAMMAD' લખેલા પોસ્ટર્સ લાગવાથી થઈ હતી. તેના જવાબમાં વિસ્તારમાં તાત્કાલિક લોકો દ્વારા 'I LOVE MAHADEV' લખેલા પોસ્ટર્સ પણ મોટા પ્રમાણમાં લગાવી દેવામાં આવ્યા હતા.આ પોસ્ટર્સને કારણે બંને કોમના લોકો સામસામે આવી જાય તેવો માહોલ ઊભો થયો હતો. આ પોસ્ટરો માત્ર દરિયાપુર પૂરતા સીમિત ન રહેતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હોવાના અહેવાલો છે. આ સમગ્ર મામલે બજરંગ દળના કાર્યકર્તાએ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એમણે એમના ધર્મના પોસ્ટર લગાવ્યા અને અમે અમારા ધર્મના પોસ્ટર લગાવ્યા. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે એકબીજાના જવાબમાં આ પોસ્ટર લગાવવાની ઘટના બની હતી.
કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ સત્વરે હરકતમાં આવી હતી. પોલીસે તત્કાળ તમામ વિવાદાસ્પદ પોસ્ટર્સને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને દરિયાપુર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે શાંતિ જાળવવા માટે બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. હાલમાં પોલીસે આ પોસ્ટર લગાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરૃ કરી છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
