<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સુરતના જાણીતા જ્વેલર્સમાં ગ્રાહકને થયો કડવો અનુભવ

ભેળસેળ હોવાની શંકા જતાં તેમણે જુડાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું હતું:મોનિકા જ્વેલર્સના માલિકે તેમને ચાંદીના ૧૦૦ ટકા રૃપિયા આપીને માત્ર ૩૪ ટકા જ ચાંદી આપી છે

 સુરત,તા.૨૯

 સુરતઃ સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈ દાગીના ખરીદતા પહેલા ચેતી જજો. સુરતના એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. સુરતના કડોદરામાં આવેલા મોનિકા જવેલર્સની લોભામણી જાહેરાત જોઈને ચાંદીના દાગીનાની ખરીદી કરતા એક વ્યક્તિ છેતરાયા છે. સુરતના રહેવાસી હરેશ સાંકડાસરીયાએ દાવો કરતા જાણવા મળ્યું છે કે, મોનિકા જ્વેલર્સના માલિકે તેમને ચાંદીના ૧૦૦ ટકા રૃપિયા આપીને માત્ર ૩૪ ટકા જ ચાંદી આપી છે. આ વ્યક્તિએ મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો દાગીનો ખરીદી કરીને તેમને શંકા જતા તેનું લેબ ટેસ્ટ કરાવ્યું હતું. જેના રિપોર્ટમાં આ દાગીનામાં ચાંદી માત્ર ૩૪ ટકા જ હોવાની વાત સામે આવી છે. જે બાદ આમને તેમની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સુરતના રહેવાસી હરેશ સાંકડાસરીયાએ ૨૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ કડોદરા સ્થિત મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો જુડો ખરીદ્યો હતો. આ જુડાનું વજન ૧૮૧ ગ્રામ હતું અને તેની કિંમત ૨૫,૫૦૦ ચૂકવવામાં આવી હતી. બિલમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ૧૧૮ અને મજૂરી પ્રતિ ગ્રામ ૧૮ દર્શાવવામાં આવી હતી. જ્વેલરે ૧૦૦% શુદ્ધ ચાંદીના નામે આ દાગીનો વેચ્યો હતો. જોકે, હરેશભાઈને તેમાં ભેળસેળ હોવાની શંકા જતાં તેમણે જુડાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું હતું.

હરેશભાઈએ દાગીનાની પ્રથમ લેબોરેટરીમાં તપાસ કરાવી, જેમાં રિપોર્ટ આવ્યો કે, જુડામાં માત્ર ૩૪% ચાંદી છે અને બાકીની માત્રામાં અન્ય ધાતુઓની ભેળસેળ છે. શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું, જેમાં પણ આ જ રિપોર્ટ આવ્યો કે જુડામાં માત્ર ૩૪થી ૩૫ ટકા જ ચાંદી છે. આ રીતે, મોનિકા જ્વેલર્સે ૧૦૦% શુદ્ધ ચાંદીના નામે ગ્રાહકને છેતર્યા હતા.ભોગ બનનાર હરેશ સાંકળસરિયાએ આ અંગે જણાવતા કહ્યુ કે, આ છેતરપિંડી સામે આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજ પર આકર્ષક અને લોભામણી જાહેરાતો આપીને લોકોને આ ભેળસેળવાળા દાગીનાનું વેચાણ કરે છે. સસ્તા અને શુદ્ધ દાગીનાની લાલચ આપીને તે ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતા હતા.

આ છેતરામણીનો ભોગ બનેલા હરેશ સાંકડાસરીયાએ તાત્કાલિક કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિક અભિષેક સોની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૃ કરી છે. ફરિયાદી હરેશભાઈએ માંગ કરી છે કે, લોકો સાથે આ રીતે છેતરપિંડી કરનારા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય ગ્રાહકો આવી બનાવટી જાહેરાતોનો શિકાર ન બને.

(10:00 PM IST)