<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું : તાપી નદી બે કાંઠે

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર ખૂબ ઊંચું આવતાં નદી બે કાંઠે વહેતી થઈ.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણીની આવક વધતાં સત્તાધીશોએ ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ વધાર્યું છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સવારે 11 વાગ્યાથી 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમમાંથી ગત રાતથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. પરંતુ ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક (ઇનફ્લો) ખૂબ જ વધી છે. હાલમાં ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર હોવાથી, સત્તાધિશોએ તાત્કાલિક અસરથી પાણી છોડવાના પ્રમાણમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.ઉપરવાસના હવામાન ફોરકાસ્ટને ધ્યાનમાં રાખીને, ડેમમાં ઇનફ્લો વધવાની સંભાવના હોવાથી, વહીવટી તંત્ર દ્વારા આવક કરતાં જાવક વધારી દેવામાં આવી છે. ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ઉપરવાસના ફોરકાસ્ટને ધ્યાનમાં રાખીને આઉટફ્લો બાબતે આગામી નિર્ણય લેવામાં આવશે.

 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તેની સીધી અસર તાપી નદીમાં જોવા મળી છે. તાપી નદીમાં પાણીનું સ્તર ખૂબ ઊંચું આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.સુરત શહેરના વિયર કમ કોઝવેની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કોઝવે પોતાની સામાન્ય 6 મીટરની સપાટી વટાવીને હાલમાં 9 મીટરની સપાટીએ વહી રહ્યો છે. તાપી નદીના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે, જોકે પાણીનું સ્તર ઊંચું હોવાથી સુરક્ષાના પગલાં લેવા જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદીના પટમાં કોઈ પણ પ્રવૃત્તિ ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

 



 

(11:16 PM IST)