<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 15 બિનહરીફ: દાંતા બેઠક પર ભાજપ નેતાએ મેન્ડેટનો અસ્વીકાર કરતાં ચૂંટણી થશે

પક્ષના આંતરિક દાવપેચમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિ ચૌધરીને ઉમેદવાર તરીકે સ્થાન ન મળતાં તેમને મોટો આંચકો:દાંતા બેઠક પર ભાજપે અમરતજી પરમારને મેન્ડેટ :પક્ષના નેતાએ ફોર્મ પરત ખેંચવાની ના પાડતાં હવે માત્ર આ એક બેઠક પર જ ચૂંટણી યોજાશે

બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા મેન્ડેટને કારણે રાજકીય ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળ્યા છે. પક્ષના આંતરિક દાવપેચમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિ ચૌધરીને ઉમેદવાર તરીકે સ્થાન ન મળતાં તેમને મોટો આંચકો લાગ્યો છે. ચૌધરીનું પત્તું કપાતા હવે પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને રિપીટ કરવામાં આવ્યા છે.

પક્ષના નેતૃત્વએ ડેરીની કુલ 16 બેઠકોને બિનહરીફ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ભાજપના જ એક નેતાએ મેન્ડેટનો સ્વીકાર ન કરતાં આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. દાંતા બેઠક પર ભાજપે અમરતજી પરમારને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ પક્ષના નેતાએ ફોર્મ પરત ખેંચવાની ના પાડતાં હવે માત્ર આ એક બેઠક પર જ ચૂંટણી યોજાશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સોમવારે અન્ય છ વિભાગોનું ચિત્ર સ્પષ્ટ બની ગયું હતું અને કાંકરેજ, વડગામ, દાંતીવાડા, ધાનેરા અને પાલનપુર બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

ભાજપે વફાદારીના ધોરણે કેટલાક નવા ચહેરાઓને તક આપી છે. વડગામ, દાંતા અને કાંકરેજની બેઠકો પરના વર્તમાન ડિરેક્ટરોને બદલવામાં આવ્યા છે. વડગામમાં દિનેશ ભટોળને બદલે ફલજી પટેલ, દાંતામાં દિલીપસિંહ બારડને બદલે અમરતભાઈ પરમાર અને કાંકરેજમાં અણદા પટેલના સ્થાને બાબુ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ ફેરફારોને કારણે ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી, અને તેમને મનાવવાના પ્રયાસો મોડી સાંજ સુધી ચાલુ રહ્યા હતા.

જોકે, દાંતીવાડા બેઠક પર પી.જે. ચૌધરી અને ધાનેરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલ પર પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ડિરેક્ટર પદે રિપીટ કર્યા છે. આંતરિક વિખવાદો અને વિવિધ દાવેદારીઓ વચ્ચે પણ ભાજપે મહત્તમ બેઠકો પર સર્વસંમતિ સાધવામાં સફળતા મેળવી છે, પરંતુ દાંતાનો કિસ્સો પક્ષના આદેશનું ઉલ્લંઘન સ્પષ્ટ કરે છે, જેના કારણે હવે ડેરીમાં માત્ર એક જ બેઠક પર ચૂંટણીનો જંગ જોવા મળશે.

(12:30 PM IST)