News of Wednesday, 1st October 2025
ગુજરાતમાં હિંસક ગુનાખોરી ઘટી : ૨૦૨૩માં કુલ ૮૯૭૫ કેસ નોંધાયા
રાજ્યમાં પ્રતિ લાખ વસ્તી દીઠ હિંસક ગુનાઓનો દર માત્ર ૧૨.૫ ઘટનાઓ રહ્યો છે, જે સમગ્ર ભારતના સરેરાશ દર (૩૧.૨ ઘટનાઓ) કરતાં અડધાથી પણ ઓછો છે મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓના નોંધાયા ૭૦૦૦થી વધારે કેસ

નવી દિલ્હી, તા.૧:નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં હિંસક ગુનાઓની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, રાજ્યનો હિંસક ગુના દર રાષ્ટ્રીય દર કરતાં ઘણો ઓછો છે. વર્ષ ૨૦૨૨માં ૯૦૧૫ કેસ હિંસક ગુનાઓના કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩માં આ કેસોમાં ૩૯ કેસનો ઘટાડો નોંધાયો છે. આમ, ૨૦૨૩માં કુલ ૮૯૭૫ હિંસક ગુનાઓના કેસ નોંધાયા છે. ત્યારે આવો જાણીએ ૨૦૨૩માં કયા પ્રકારના હિંસક ગુનાઓના કેસ વધારે પ્રમાણમાં નોંધાયા છે.
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા સૌથી વધારેઃ વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા હિંસક ગુનાઓમાં હત્યાના ૯૬૮ કેસ, હત્યાના પ્રયાસના ૮૯૦ કેસ, ગંભીર ઈજાના ૩૪૬૧ કેસ, અપહરણના ૧૭૯૨ કેસ, બળાત્કારના ૬૩૪ કેસ, લૂંટના ૫૪૧ કેસ, રમખાણોના ૧૩૧ કેસ તથા મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના ૭૮૦૫ ગુનાઓ નોંધાયા છે. જોકે, આ તમામ ગુનાઓમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ ૨૦૨૨ની સરખામણીમાં આ આંકડો ઘટયો છે.
૯૬૮ હત્યાના કેસોમાંથી મોટાભાગના વિવાદો, વ્યક્તિગત દુશ્મનાવટ અથવા ઝઘડાને કારણે થયા હતા. આ સિવાય, ‘જાતિવાદ' અને ‘દહેજ' ને કારણે એકપ્રએક હત્યા, જ્યારે ‘મેલીવિદ્યા' અને ‘સીરીયલ કિલર/મનોરોગી' ને કારણે બે-બે હત્યાઓ નોંધાઈ હતી.
ગુનાખોરી ઘટાડવામાં ગુજરાત પોલીસનું યોગદાનઃ રાજ્યમાં પ્રતિ લાખ વસ્તી દીઠ હિંસક ગુનાઓનો દર માત્ર ૧૨.૫ ઘટનાઓ રહ્યો છે, જે સમગ્ર ભારતના સરેરાશ દર (૩૧.૨ ઘટનાઓ) કરતાં અડધાથી પણ ઓછો છે. ૨૮ રાજ્યોમાં ગુજરાતનો દર માત્ર નાગાલેન્ડ અને આંધ્રપ્રદેશ કરતાં વધારે છે, જે રાજ્યમાં પ્રમાણમાં ઓછી ગુનાખોરી દર્શાવે છે.
ગુજરાત પોલીસનો હિંસક ગુનાઓના કેસોમાં ચાર્જશીટ ફાઇલિંગ રેટ ૮૩.૮ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ (૭૪.૧ ટકા) કરતાં ઘણો ઊંચો છે. આ આંકડો સૂચવે છે કે રાજ્ય પોલીસે નોંધાયેલા મોટાભાગના હિંસક ગુનાઓમાં સફળતાપૂર્વક તપાસ પૂરી કરી છે. જોકે, આ બાબતે ગુજરાત કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી પાછળ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, NCRBનો રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં હિંસક ગુનાઓનું પ્રમાણ ઓછું છે. વર્ષ ૨૦૨૩ના હિંસક ગુનાઓનો આંકડો અને પોલીસનો તપાસ દર ઘણો સારો છે. એવું પણ પૂરવાર કરે છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
