<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ગાંધી જયંતિ પહેલા ચેતજો! સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિ ‘‘સૌરસ''ના ખાદી કેન્‍દ્રોમાં ભેળસેળ યુક્‍ત બનાવટી ખાદીના વેચાણનો આક્ષેપ

કૌભાંડ અને ગેરરીતિની ચૂંગાલમાં ‘‘સૌરસ'': ખાદી ખરીદતા પહેલા ગ્રાહકોને સાવધાન રહેવા તાકીદ કરતા રાજુલ દવે, દિપેશ બક્ષી

રાજકોટઃ બીજી ઓક્‍ટોબર, ગાંધી જયંતિના દિવસથી દેશભરમાં ખાદીના ઉત્‍પાદનો પર વિશેષ વળતર યોજનાઓ શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ખાદી સંસ્‍થાઓના કુલ વેચાણના ૬૦ થી ૯૦% જેટલું વેચાણ થતું હોય છે, ત્‍યારે બનાવટી ખાદીની ખરીદી સામે સાવધાની રાખવી જરૂરી બની હોવાનું જાણીતા સામાજિક અગ્રણી રાજુલ દવે એ જણાવ્‍યું છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતના વારસા જેવી સંસ્‍થા સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિ (સૌરસ) ના ખાદી કેન્‍દ્રોમાં વેચાતી વસ્‍તુઓ ખરેખર હસ્‍તકલાકારોની છે કે પછી પૂંજીપતિઓ દ્વારા મિલ કે કારખાનામાં બનાવેલ ઉત્‍પાદન છે, તે અંગે ગંભીર અસંદિગ્‍ધતા પ્રવર્તે છે.

વિવાદમાં સૌરસ વહીવટકર્તાઓ પર ગેરરીતિના આક્ષેપોઃ વર્ષ ૧૯૪૮માં સ્‍થપાયેલી આ ૭૮ વર્ષ જૂની સંસ્‍થા છેલ્‍લા ત્રણેક વર્ષથી વિવાદમાં ફસાયેલી હોવાનું જાણવા મળે છે. આક્ષેપો અનુસાર, સંસ્‍થાના વહીવટદાર તરીકે 'આપદધર્મી', 'ભૂમાફિયા' અને 'મંદિરાપિપાસુ' તરીકે ઓળખાતા ઇસમો અને તેમના સાગરીતો સંસ્‍થાના ભંડોળનો ખોટો ઉપયોગ અંગત સ્‍વાર્થ માટે કરી રહ્યા છે તેમ પણ જણાવ્‍યું છે.

સૌરસની સ્‍થાપના નારણદાસકાકા ગાંધી, નાનાભાઈ ભટ્ટ, ઉછંગરાય ઢેબર, સ્‍તુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી જેવા અગ્રણીઓએ કરી હતી, અને તેને રતિભાઈ ગોંધિયા, દેવેન્‍દ્રકુમાર દેસાઇ જેવા નિઃસ્‍વાર્થ ગાંધીવાદીઓનું નેતૃત્‍વ પ્રાપ્ત થયેલું.

જોકે, વર્તમાન પરિસ્‍થિતિ અંગે સંસ્‍થાના સભ્‍યો રાજુલ દવે અને દિપેશકુમાર બક્ષીએ રાજકોટ સ. રો. કોર્ટ સમક્ષ અવાજ ઉઠાવેલ છે અને કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે તેમ પણ જણાવ્‍યું છે.

ઉત્‍પાદન અને મહેનતાણામાં વિસંગતતાઃ સંસ્‍થાના વાર્ષિક હિસાબો પર નજર નાખતા ગંભીર વિસંગતતા જોવા મળે છે સંસ્‍થાએ કુલ ૮૦૦ વ્‍યક્‍તિઓને માનદ વેતન પેટે રૂ. ૧,૮૧,૦૦,૦૦૦/- ચૂકવ્‍યા. ખાદી, આસન, શેતરંજી વગેરેનું કુલ રૂ. ૩,૦૬,૦૦,૦૦૦/- નું ઉત્‍પાદન થયું હોવાનું દર્શાવ્‍યું છે. આંકડા જોતાં, ૮૦૦ કારીગરોને વાર્ષિક સરેરાશ માત્ર રૂ. ૨૨,૬૨૫/- (અર્થાત માસિક રૂ. ૧૮૮૫/-) જેવી નજીવી રકમ ચૂકવવામાં આવેલ છે.  વિશેષજ્ઞોના મતે, આટલા કારીગરો પાસેથી માત્ર ત્રણ કરોડનું ઉત્‍પાદન અત્‍યંત ઓછું છે અને તે વહીવટકર્તાઓની અણઆવડત સૂચવે છે. કારીગરોની સંખ્‍યા અને કથિત ઉત્‍પાદન વચ્‍ચેની વિસંગતતા તપાસનો વિષય છે.

અમાન્‍ય ખાદીના વેચાણનો ધંધો

આ બંને મહાનુભાવો કહે છે કે સુત્રોના મતે, વર્ષ ૨૦૨૨ના અરસામાં ભૂમાફિયા ગણાતા ઇસમોના સાગરીતોએ 'સૌરસ'નો વહીવટ સંભાળી લીધા બાદ અમાન્‍ય ખાદી એટલે કે, હાથ વણાટની ન હોય તેવા કાપડનું વેચાણ શરૂ કરી દીધેલ છે.

ખાદીના જાણકાર લોકોના મંતવ્‍ય મુજબઃ સામાન્‍ય રીતે હાથ વણાટની ખાદીમાં દોઢ થી બે મીટરના પન્ના અને દસ થી અગિયાર મીટરના તાકા બની શકે. પરંતુ સૌરસના કેન્‍દ્રોમાં લગભગ બમણાં એટલે કે સાડા ત્રણ થી ચાર મીટરના પન્ના અને વીસ થી એકવીસ મીટરના તાકા હોવાનું જાણવા મળે છે, જે યંત્રથી બનેલા (મિલના) કાપડની લાક્ષણિકતા છે તેમ પણ જણાવ્‍યું છે

યાંત્રિક રીતે બનતા કાપડમાં ઓછી મહેનત અને ખર્ચ સાથે વધારે ઉત્‍પાદન થઈ શકે છે, જેનાથી ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થતો હોવાનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.

અન્‍ય ગંભીર મુદ્દાઓઃ કથિત આપદધર્મી ઇસમોના સાગરીતો પૈકી એક વ્‍યક્‍તિને અગાઉ અમાન્‍ય ખાદી વેચાણ પ્રકરણના કારણે જ પદભ્રષ્ટ કરવામાં આવેલ હોવાનું પણ સંભળાય છે અમરેલી જિલ્‍લાના વતની ગણાતા ઇસમોના મનસૂફીભર્યા વહીવટના કારણે જે સંસ્‍થા સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્‍વ ધરાવતી હતી, તે આજે માત્ર ૪૦ જેટલા સભ્‍યોની જ બની રહી જવા પામી છે.

ગત સૌરસની બેઠકમાં ૅવાર્ષિક હિસાબોની નોંધ લેવીૅ જેવો શબ્‍દ પ્રયોગ કરી હિસાબોના મુદ્દાને હડસેલી દેવામાં આવેલ છે.

સમગ્ર રીતે સૌરસ આ પ્રકારના લોકોના વહીવટ તળે સુરક્ષિત છે કે કેમ, તે સ્‍પષ્ટ તપાસનો વિષય બને છે. ગ્રાહકોને અપીલ છે કે સૌરસના કેન્‍દ્રોમાં ખાદી ઉત્‍પાદનોની ખરીદી કરતા પહેલા નીર-ક્ષીર પારખીને સાવધાની રાખવી તેમ શ્રી રાહુલ દવે અને શ્રી દીપેશ બક્ષી જણાવે છે.

(3:29 PM IST)