<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાંથી અહંકાર, ભ્રષ્ટાચાર અને અન્ય દુર્ગુણોનો નાશ કરી, સત્ય, કરુણા, ન્યાય અને સમરસતાનો વિજય સ્થાપિત કરીએ.

ગાંધીનગર : વિજયાદશમીનો પાવન તહેવાર અસત્ય પર સત્યના અને દુર્ગુણ પર સદગુણના વિજયનું પ્રતિક છે. આ તહેવાર આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરે છે.

આ પાવન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત તેમજ દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વિજયાદશમી આપણને સંકલ્પશક્તિ, ધૈર્ય અને સદાચારના માર્ગે અડગ રહીને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ પર્વે આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાંથી અહંકાર, ભ્રષ્ટાચાર અને અન્ય દુર્ગુણોનો નાશ કરી, સત્ય, કરુણા, ન્યાય અને સમરસતાનો વિજય સ્થાપિત કરીએ.
રાજ્યપાલએ આશા વ્યક્ત કરી છે કે, આ પાવન તહેવાર સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરશે અને સમાજને એકતા, ભાઈચારા અને સુખ-સમૃદ્ધિના માર્ગે આગળ વધારશે.

(8:56 PM IST)