News of Thursday, 2nd October 2025
ફાફડા-જલેબી લેવા માટે અમદાવાદ - સુરત - રાજકોટમાં લાંબી કતારો !
નવરાત્રી તહેવાર પૂર્ણ થયા બાદ આજે વિજયા દશમીના પર્વ પર ગુજરાતીઓ જલેબી-ફાફડાની જ્યાફત માણવા ઉમટી પડ્યા : કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી ગયા : રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરમાં ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી

અમદાવાદ, તા.૨: ગુજરાતીઓની આન, બાન અને શાન સમાન વિશ્વનો સૌથી મોટો ગણાતો નવરાત્રીનો તહેવાર હાલ પૂર્ણ થયા બાદ હવે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક તરીકે ઉજવાતો વિજયા દશમીનો તહેવાર આજે ગુજરાતભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે એક પડતર દિવસ સહિત કુલ ૧૦ દિવસ ગરબે ઘૂમ્યા બાદ ગુજરાતીઓ હવે ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવવા ઉમટી પડ્યા છે. જેથી આજે વહેલી સવારથી જ રાજ્યના મોટા મોટા શહેરમાં ફરસાણની દુકાનો પર લાંબી લાઇનો લાગી જોવા મળી રહી છે.
ગુજરાતીઓની પરંપરા મુજબ, નવ દિવસ લાંબા ગરબા મહોત્સવ બાદ જો દશેરાના દિવસે ફાફડા-જલેબીની જ્યાફત ન માણી તો આ તહેવાર અધૂરો છે. ત્યારે આ વર્ષે પણ મોંઘવારી અને વધતા ભાવોની અસર હોવા છતાં ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગઈકાલે આખી રાત ગરબા ઘૂમ્યા બાદ પણ થાકયા વિના અતિ ઉત્સાહિત ગુજરાતી લોકો ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર ઉમટી પડ્યા છે.
ખાસ અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લોકોની ભીડ લાગી જોવા મળી રહી છે. આખી રાત ગરબા રમીને આવેલા અમદાવાદીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ગરમાગરમ જલેબી-ફાફડા ખરીદી રહ્યા છે. ત્યારે આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ ૧૧૪૦ રૂપિયા, જ્યારે એક કિલો જલેબીનો ભાવ ૧૨૪૦ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલા મોંઘા ભાવ હોવા છતાં પણ જલેબી-ફાફડા ખરીદી માટે ફરસાણની દુકાન પર અમદાવાદીઓની લાંબી લાઇનો લાગી છે.
આ તરફ રંગીલા રાજકોટમાં હળવા વરસાદી વાતાવરણે આ દશેરાના તહેવારને વધુ રોમાંચક બનાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં રાજકોટ વાસીઓ ફરસાણની દુકાનો પર છત્રીઓ લઈને લાઇનમાં ઊભા રહી ગયા છે. રાજકોટમાં ખાસ વાત એ છે કે, અહીં ફાફડાને બદલે ગાંઠિયા-જલેબીની પરંપરા વધુ પ્રચલિત છે. ત્યારે હાલ ચાલુ વરસાદમાં પરિવાર સાથે ગરમાગરમ ગાંઠિયા અને જલેબીની જ્યાફત માણી રાજકોટીયનો દશેરા પર્વને ઉજવી રહ્યા છે.
ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરતમાં પણ વિજયા દશમી પર્વ નિમિત્તે સુરતી લાલાઓ અતિ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર સવારથી જ લાંબી લાઇનો જોતા એવું લાગી રહ્યું છે કે, ઉત્સાહી સુરતી લાલાઓને ખાણી-પીણી અને મોજ મજા કરવામાં મંદી કે મોંઘવારી જરા પણ નડતી નથી. ખાસ સુરતમાં આ જલેબી-ફાફડાના ભાવની વાત કરીએ તો, અહીં ૫૦૦ રૂપિયે કિલોના ભાવે ઘીમાં બનેલી જલેબી તથા ૫૦૦ રૂપિયે કિલોના ભાવે ફાફડા વેચાઈ રહ્યા છે. જેને ખરીદવાની સાથે સાથે તેને ગરમાગરમ બનતા જોવાનો લ્હાવો પણ સુરતીલાલાઓ હાલ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે પણ દશેરાના પાવન પર્વ પર ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી ગયા હતા. જેને બનાવવા માટે બહારના રાજ્યમાંથી કારીગરોને મંગાવાયા હતા અને તેમને માત્ર દશેરાના દિવસે ૨૪ કલાક ફાફડા-જલેબી બનાવવાની મજૂરી ૪૦થી ૫૦ હજાર અપાઈ હતી. ત્યારે આ વર્ષે બહારથી આવેલા મજૂરો ગરમાગરમ ફાફડા જલેબી બનાવવા કામે લાગી ગયા છે. જેથી આ વર્ષે પણ ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય તો નવાઈની વાત નહીં.(૨૩.૨૩)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
