તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ્રેશન હવે સૌરાષ્ટ્રથી 210 કિ.મી. દૂર સ્થિર: રાજ્યના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી
આ ડિપ્રેશન આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ દિશામાં મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ થઇ છે. છેલ્લા બે દિવસથી સર્જાયેલું વેલ માર્ક્ડ લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આજે સવારે 11.30 વાગ્યાની સ્થિતિએ ત્રણ કલાકથી આ ડિપ્રેશન સ્થિર છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ સિસ્ટમના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા ત્રણ કલાકથી લગભગ સ્થિર રહ્યું છે. આજે, 2 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે 11:30 વાગ્યે, તે 20.80 ઉત્તર અક્ષાંશ અને 67.90 પૂર્વ રેખાંશ પર તે જ વિસ્તારમાં કેન્દ્રિત હતું. આ સ્થિતિ પોરબંદરથી આશરે 210 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, દ્વારકાથી 210 કિલોમીટર દક્ષિણપશ્ચિમ, નલિયાથી 290 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 460 કિલોમીટર દક્ષિણે નોંધાઈ છે. આ ડિપ્રેશન આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ દિશામાં મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે.
આ ઉપરાંત, 3 ઓક્ટોબર સુધી મધ્ય અરબી સમુદ્ર પર અને 4 થી 5 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 65 કિલોમીટર પ્રતિ કલાક સુધીના ઝાટકા સાથે તોફાની પવન પ્રવર્તી શકે છે.
દરિયાઈ સ્થિતિ 3 ઓક્ટોબર સુધી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, તેની નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા પર તોફાનીથી અત્યંત તોફાની રહેવાની શક્યતા છે, ત્યારબાદ ધીમે ધીમે સુધારો થશે. મધ્ય અરબી સમુદ્ર પર 3 ઓક્ટોબર સુધી અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 4 થી 5 ઓક્ટોબર દરમિયાન પણ દરિયાઈ સ્થિતિ તોફાનીથી અત્યંત તોફાની રહેશે.
માછીમારોને 3 ઓક્ટોબર સુધી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, તેની નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠામાં ન જવાની સલાહ આપવામાં આવે છે
વધુમાં, 2 થી 5 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
