News of Friday, 3rd October 2025
ગુજરાતભરમાં નવરાત્રિમાં ૩૩૦૦ કરોડનાં વાહનો વેચાયાં
અમદાવાદમાં ૧૫ હજાર ટુ વ્હીલર અને ૬૦૦૦ કાર વેચાઇઃ માત્ર દશેરાના દિવસે જ અમદાવાદમાં ૬૦૦૦ ટુ વ્હીલર અને ૨૪૦૦ કારની ડિલિવરી અપાઇ નવરાત્રિના દિવસોમાં ગુજરાતભરમાં ૧.૧૦ લાખ ટુ વ્હીલર અને ૨૪ હજાર કારનું વેચાણ થયું છે. જેને પગલે ઓટોમોબાઇલ ડિલર્સ આનંદમાં

અમદાવાદ તા.૩: મોંઘવારીની બૂમો વચ્ચે ઓટોમોબાઇલ સેક્ટરને નવરાત્રિ ફળી છે. માત્ર ગુજરાતમાં જ નવરાત્રિ દરમિયાન રૂ. ૩૩૦૦ કરોડના વાહનો વેચાયા છે. જેમાં સૌથી વધુ વાહનો અમદાવાદમાં વેચાયા છે. તેમાંય દશેરાના દિવસે જ નવરાત્રિમાં થયેલા વેચાણ ૪૦ ટકા વાહનો વેચાયા હતા અથવા તો વાહનોની ડિલિવરી આપવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર એસો. (ફાડા)ના ઓફિશિયલ આંકડા મુજબ નવરાત્રિના દિવસોમાં ગુજરાતભરમાં ૧.૧૦ લાખ ટુ વ્હીલર અને ૨૪ હજાર કારનું વેચાણ થયું છે. જેને પગલે ઓટોમોબાઇલ ડિલર્સ આનંદમાં છે.
ફાડા ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું હતું કે શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ બાદ શરૂ થતી નવરાત્રિમાં વાહનોની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે. જેમાં ચાલુ વર્ષે જીએસટી ઘટતાં ભાવમાં થયેલો ઘટાડો મોટા ભાગ ભજવી રહ્યો છે. નવરાત્રિ દરમિયાના માત્ર અમદાવાદમાં જ ૧૫ હજાર બાઇક, ટુ વ્હીલર અને ૬ હજાર બેઝિકથી લઇને હાઇએન્ડ કારનું વેચાણ થયું છે. હવે લોકો દશેરાના શુભ દિવસે વિજય મુહૂર્તમાં જ ડિલિવરી લેવા માગતા હોવાથી જે વેચાણ થયું તે પૈકી ૬ હજાર બાઇક અને ૨૪૦૦ કારની ડિલિવરી આપવામાં આવી હતી. ગુજરાતભરમાં રૂ. ૩૩૦૦ કરોડના ૧.૧૦ લાખ ટુ વ્હીલર અને ૨૪ હજાર કારનું વેચાણ થયું છે. જૈ પૈકી દશેરા દિવસે ૪૪ હજાર બાઇક તથા ૧૦ હજાર કારના વેચાણ થયા હતા.
છેલ્લા વર્ષોમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારો ગ્રોથ થઇ રહ્યો છે. લોકો પોતાની સુખાકારી માટે વાહનો ખરીદતા થયા છે. ત્યારે જ અમલમાં આવેલા જીએસટી ૨.૦ને લઇને એવરેજ ટુ વ્હીલરની પ્રાઇઝમાં ૧૦ હજારનો ઘટાડો થયો છે. જ્યારે કારની કિંમતમાં પણ લગભગ એક લાખ રૂપિયાનો ઘટોડા થયો છે. જેને તેથી પણ ખરીદીમાં વધારો થયો હોઇ શકે. આ ઉપરાંત રેલવે કર્મચારીઓના ડીએ અને બોનસની જાહેરાત કરવામાં આવતા ખરીદી વધી છે. - પ્રણવ શાહ (ચેરપર્સન, ફાડા ગુજરાત)
જે લોકોએ નવરાત્રિમાં વાહનોના બુકિંગ કરાવ્યા છે તેઓ દશેરાના દિવસે જ ડિલિવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. તેમાં ૧૨-૩૯ નું વિજય મુહૂર્ત સચવાય તે માટે તેમના પ્રયાસ રહેતા હોય છે. માટે ડિલરો દ્વારા દશેરાના દિવસે માસ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોટા મેદાન કે પાર્ટી પ્લોટ્સમાં જેટલા લોકોને કારની ડિલિવરી લેવાની હોય તેમને પરિવાર સાથે હાજર રાખી બરોબર ૧૨-૩૯ વાગ્યે તેમને એક સાથે જ કારની ડિલિવરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કારની ડિલિવરી વખતે પૂજા માટેની અને મિત્રો સાથે મોં મીઠુ કરાવવાની પણ ડિલરોએ વ્યવસ્થા કરી હતી. ઘણી જગ્યાએ તો ડિલરોએ ગ્રાહકોને પરિવાર સાથે ભોજન કરાવી કારની ડિલિવરીની શુભકામનાઓ આપી હતી.
દશેરા એટલે વણજોયુ મુહૂર્ત ગણવામાં આવે છે. લોકો શુભકાર્ય દશેરાના દિવસે કરતા હોય છે. દશેરાએ લોકોએ નવા વાહનો ઉપરાંત ઓફિસ કે ઘરની પણ ખરીદી કરી છે. જે લોકોના મકાન તૈયાર થઇ ગયા હોય છે તેઓ દશેરાના દિવસે ગૃહ પ્રર્વેશ કરતા હોય છે. દશેરાએ નવી ઓફિસના પણ ઠેર ઠેર ઉદઘાટન થયા છે. ઘણી કન્સ્ટ્રક્શન સાઇટના ભૂમિપૂજન પણ કરવામાં આવ્યા હતા.
નવરાત્રિ (દશેરા સહિત) અમદાવાદમાં ૧૫૦૦૦ બાઇકના વેચાણ, ગુજરાતભરમાં ૧.૧૦ લાખ બાઇક વેચાઇ, જે ગત વર્ષ કરતાં ૧૫ ટકા વધારે છે. દસ દિવસમાં એક હજાર કરોડના ટુ વ્હીલર વેચાયા
નવરાત્રિ (દશેરા સહિત) અમદાવાદમાં ૬૦૦૦ કારનું વેચાણ, ગુજરાતભરમાં ૨૪૦૦૦નું વેચાણ, જે ગત વર્ષ કરતાં ૧૫ ટકા વધારે છે. દસ દિવસમાં ૨૩૦૦ કરોડની કારના વેચાણ થયા
માત્ર દશેરાના દિવસે જ અમદાવાદમાં ૬ હજાર બાઇકની, ગુજરાતભરમાં ૪૪૦૦૦ બાઇકની ડિલિવરી આપવામાં આવી. આ ઉપરાંત માત્ર દશેરાના દિવસે ગુજરાતમાં ૧૦ હજાર કારની તથા અમદાવાદમાં ૨૪૦૦ કારની ડિલિવરી આપવામાં આવી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
