News of Saturday, 4th October 2025
અનોખો કિસ્સો :પહેલાં પ્રેમ લગ્ન કર્યા પછી પતિ સામે દુષ્કર્મની ફરિયાદ : યુવકે પૂરાવા રજૂ કરતા હાઈકોર્ટે જામીન આપી દીધા
લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્નના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરાયા :પતિ તરફથી હાઇકોર્ટ સમક્ષ મહત્ત્વનો પુરાવો રજૂ કરાયો હતો: પત્નીનો એક વીડિયો કોલ

અમદાવાદ :બનાસકાંઠાના એક યુગલના અનોખા કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એકબીજાના પ્રેમમાં પડીને પ્રેમલગ્ન કરનાર યુવતીએ જ બાદમાં પોતાના પતિ વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધવા (બળાત્કાર)ની ફરિયાદ નોંધાવી હતી. જોકે, હાઈકોર્ટે રેકોર્ડ પરના પુરાવા અને હકીકતોને ધ્યાનમાં રાખીને અરજદાર પતિના આગોતરા જામીન મંજૂર કર્યા છે.
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ આ હુકમમાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, "પ્રસ્તુત કેસમાં પ્રથમદર્શનીય રીતે એવું જણાઈ આવે છે કે, ફરિયાદી પત્નીની સંમતિથી જ આ કૃત્ય થયું હતું. આથી આવા કેસમાં પતિની કોઈ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની (કસ્ટડીમાં પૂછપરછ) જરૂર રહેતી નથી."
હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો પરથી એ સ્પષ્ટ થયું હતું કે, અરજદાર પતિ અને ફરિયાદી પત્ની એક જ જ્ઞાતિના છે અને પ્રણયસંબંધ બંધાયા બાદ તેઓએ કાયદેસર રીતે મેરેજ કરી લીધા હતા. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્નના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે, બનાસકાંઠાના માવસરી પોલીસમથકમાં પત્ની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેના પતિએ અમદાવાદની હોટલ સહિતના સ્થળોએ બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. જોકે, પતિ તરફથી હાઇકોર્ટ સમક્ષ મહત્ત્વનો પુરાવો રજૂ કરાયો હતો: પત્નીનો એક વીડિયો કોલ, જેમાં પત્ની તેના પતિને તેના પરિવારજનોની ચુંગાલમાંથી તાત્કાલિક છોડાવીને લઈ જવા વિનંતી કરતી નજરે પડે છે.
આ પુરાવાને આધારે પતિના વકીલે દલીલ કરી હતી કે, પત્નીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેમના દબાણ હેઠળ પતિ વિરુદ્ધ આ ખોટી અને વાહિયાત આક્ષેપોવાળી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાઈકોર્ટે આ સમગ્ર હકીકતને ધ્યાનમાં રાખીને તથા સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ટાંકીને અરજદાર પતિના શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
