<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ગુજરાતમાં એન્‍ટી નાર્કોટિક્‍સ ટાસ્‍કફોર્સ સાથે ૬ ઝોનલ ઓફિસ કાર્યરત થશે

ભરૂચમાં ૩૮૧ કરોડના અધધ ડ્રગ્‍સરૂપી રાવણના નાશ પ્રસંગે અકિલાના અહેવાલોને સમર્થન આપતી જાહેરાત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા થઈ ૨૦૦થી વધુ તાલીમબદ્ધ સ્‍ટાફ ડ્રગ્‍સ પર જ બાજનજર રાખશે , ૨૬૪૦ જેટલા નાર્કોટિક્‍સ આરોપીઓ ઉપર ૧૯૭૮ પોલીસ જવાનો પડછાયો બની રહેશે રાજકોટ, ભાવનગર કચ્‍છ સહિત ગુજરાતભરમાંથી જપ્ત થયેલ ડ્રગ્‍સ જથ્‍થો હતોઃ મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય, નવ નિયુક્‍તિ CID વડા ડો.કે.એલ.એન.રાવ, રેન્‍જ વડા સંદીપસિંહ વિગેરે ટોચના અધિકારીઓ સહિતની ઉપસ્‍થિતિ

રાજકોટ તા.૪: રાજકોટ , સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી પોલીસ દ્વારા જપ્ત થયેલ ૩૮૧ કરોડના ડ્રગ્‍સ રૂપી રાવણનું દહન ભરૂચ ખાતે સાયન્‍ટિક પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે હર્ષભાઈ સંઘવી દ્વારા આ દિશામાં લેવાયેલ કેટલાક મહત્‍વના પગલાંઓની સતાવાર જાહેરાત કરી અકિલા દ્વારા અપાયેલ સમાચારને સમર્થન પૂરું પાડવામાં આવ્‍યું છે

આ પ્રસંગે, ગળહ રાજ્‍ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્‍સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્‍વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્‍યમાં એન્‍ટી-નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ (ANTF)નો તેમણે વિધિવત પ્રારંભ કરાવી વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ગાંધીનગરમાં મુખ્‍ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા ટેકનિકલ સર્વેલન્‍સ, હ્યુમન ઈન્‍ટેલિજન્‍ટ સહિત તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્‍સના ગુનાઓ પર જ ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. જે ડ્રગ માફિયા અને દૂષણખોરોને નાથવા મહત્‍વનો ફાળો આપશે.

આ ઉપરાંત મંત્રીશ્રીએ, રાજ્‍ય સરકારના પ્રો-એક્‍ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્‍ટર પ્રોજેક્‍ટ' ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્‍સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્‍ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. લોકોની જનભાગીદારી વધારવા, અભિયાન સ્‍વરૂપે કેન્‍દ્ર સરકારની ‘માનસ' હેલ્‍પલાઇન નંબર ૧૯૩૩ જાહેર કરવામાં આવ્‍યો હતો. રાજ્‍ય સરકાર ડ્રગ્‍સના કારોબારીઓને કડક ચેતવણી આપતા ‘નશા-મુક્‍ત ગુજરાત'ના નિર્માણ માટેના સંકલ્‍પને દોહરાવામાં આવ્‍યો હતો.આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્‍દ્રસિંહ વાંસદીયા, સાંસદશ્રી મનસુખ વસાવા, ધારાસભ્‍ય શ્રી ડી.કે.સ્‍વામી અને રિતેશ વસાવા તેમજ અન્‍ય પદાધિકારીશ્રીઓ, શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય, ડીજીપી સીઆઇડી ક્રાઇમ ડો.કે. એલ. એન.રાવ, રેન્‍જ આઈજી શ્રી સંદીપસિંધ, ડીઆઇજીપી સીઆઇડી ક્રાઇમ સુ.શ્રી. પરીક્ષિતા રાઠોડ, ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તેમજ અન્‍ય જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિતિ રહ્યા હતા.

(11:41 AM IST)