<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

પોલીસ બેડામાં મોટી ઉથલપાથલ અટકી : PSI માંથી PI પ્રમોશન અટવાતા જિલ્લા સ્તરે બદલીઓ પર લાગ્યો બ્રેક

૩-૪ વર્ષથી એક જ પોસ્ટ પર રહેલા PI અને ખાલી જગ્યાની રાહ જોતા DIG અધિકારીઓની બદલી માટે પ્રમોશનની રાહ : દિવાળીના સમયગાળામાં મોટા ફેરફારોની શક્યતા!

રાજકોટ : ગુજરાત પોલીસ બેડામાં તાજેતરમાં ૧૦૫ અધિકારીઓની બદલી થયા બાદ સંભવિત અન્ય મોટા ફેરફારો પર અચાનક રોક લગાવી દેવામાં આવી છે. પ્રમોશનની પ્રક્રિયામાં સર્જાયેલા અવરોધને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.
પ્રમોશનના કારણે બદલી અટકી:
PSI માંથી PI તરીકે પ્રમોશનની રાહ જોઈ રહેલા અધિકારીઓની જિલ્લા સ્તરે બદલીઓ થઈ નથી, જેના કારણે આખો વહીવટી ગતિવિધિ અટકી ગયો છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષથી એક જ પોસ્ટ પર ફરજ બજાવતા PI સ્તરના અધિકારીઓ તેમજ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા કેટલાક DIG-કક્ષાના અધિકારીઓએ પણ હવે PI માંથી DYSP (નાયબ પોલીસ અધિક્ષક) પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
ગૃહ વિભાગનો નિર્ણય:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગૃહ વિભાગના ટોચના અધિકારીઓ જ્યારે બદલી અને પ્રમોશનની ફાઇલોને ઉચ્ચ સત્તાધિશો સમક્ષ મંજૂરી માટે લઈ ગયા, ત્યારે તેમને થોડો સમય રાહ જોવાની સલાહ આપવામાં આવી હતી. આના કારણે હાલમાં પોલીસ વિભાગમાં આ મોટા ફેરફારો થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
જોકે, એક વરિષ્ઠ IPS અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ સામાન્ય રીતે દિવાળીના તહેવારના ગાળામાં થતી હોય છે. તેમના મતે, ૨૦૨૬ની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિર્ધારિત હોવાથી, આ ફેરફારોને દિવાળી આસપાસ અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

 

(7:21 PM IST)