<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

પાદરાના કોટણા ગામે ઢાઢર નદીના કોઝવે પરથી પસાર થતી વખતે એક પરિવારના ચાર સભ્યો નદીના પ્રવાહમાં તણાયા

એક દંપતી પોતાના બે બાળકો સાથે બાઈક પર સવાર થઈને કોટણા ગામ નજીક ઢાઢર નદી પરના કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા

વડોદરાના પાદરા તાલુકાના કોટણા ગામે ઢાઢર નદીના કોઝવે પરથી પસાર થતી વખતે એક પરિવારના ચાર સભ્યો નદીના તેજ પ્રવાહમાં તણાયા હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે. એક દંપતી પોતાના બે બાળકો સાથે બાઈક પર સવાર થઈને કોટણા ગામ નજીક ઢાઢર નદી પરના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. ભારે વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હતો અને તે દરમિયાન જ બાઈક સાથે આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તણાવવા લાગ્યો હતો.

આ દુર્ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહતની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને પ્રયાસોને કારણે દંપતીનો બચાવ થઈ શક્યો હતો. જોકે પરિવારના બે બાળકો નદીના પ્રવાહમાં ડૂબી ગયા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ વડું પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.

 

હાલમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા ગુમ થયેલા બાળકોની શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે નદીમાં અંધારું છવાઈ જવાથી અને મગરોની હાજરી પુષ્કળ હોવાના કારણે બાળકોની શોધખોળમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિક લોકોની મોટી ભીડ જામી ગઈ છે અને બાળકો સુરક્ષિત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.


 

(11:37 PM IST)