તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
વનરાજનું વેકેશન વહેલું સમાપ્ત : ૧૬ ને બદલે ૭ મી ઓકટોબરથી ગીર અભ્યારણ ખુલી જશેઃ૧૦મીએ રાષ્ટ્રપતિ લેશે મુલાકાત

રાજકોટ, તા., ૬: જેમ શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન હોય છે, તેવી જ રીતે દેશભરનાં વન્યપ્રાણી અભયારણ્યો તથાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ દર વર્ષે વેકેશન રાખવામાં આવે છે. વેકેશનમાં બાળકો ખૂબ આનંદ કરે છે, તેવી જ રીતે વન્યપ્રાણીઓને પણ મુકત રીતે હરવા ફરવાનો મોકો મળે છે. ચોમાસાની ઋતુમાં દરેક રાજ્યની વરસાદની પેટર્ન મુજબ આ રજાઓ નક્કી કરાયેલ છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે ૧૬ મી જુન થી ૧૫ મી ઓકટોબર સુધી બધાં જ આરક્ષિત વિસ્તારો મુલાકાતીઓ માટે બંધ રહે છે. જે રાજ્યોમાં ચોમાસુ મોડું બેસતું હોય અથવા વહેલું પૂરું થતું હોય તેમાં આ સમયગાળામાં થોડો ઘણો ફેરફાર હોય શકે છે.
ચોમાસામાં સૂકાં જંગલો પણ લીલી ચાદર ઓઢી લે છે અને ખુબ સુંદર દેખાય છે. લોકોને થતું હશે કે જ્યારે જંગલ જોવાં જેવું હોય, ત્યારે જ શા માટે બંધ રાખવામાં આવે છે? કેટલાંક હોટેલ માલિકો ફરિયાદ કરે છે કે ચાર મહિના હોટેલ બંધ રાખવી પડે તેથી અમોને આર્થિક નુકસાન થાય છે.
વર્ષાઋતુમાં જંગલ બંધ રાખવા માટે કેટલાંક મહત્વનાં કારણો છે. કાચા રસ્તાઓ ધોવાઈ જાય છે, તેથી મોટરેબલ રહેતાં નથી. આ સેંકડો પશુ-પક્ષીઓનાં મિલન/સંવનન ની ઋતુ છે. પક્ષીઓનાં માળામાંથી ઉડી ન શકનારા નાનાં બચ્ચાંઓને તેમનાં માતા-પિતા પતંગિયા, ફૂદા, ઈયળો, વિગેરે જંતુઓ શોધીને ચાંચમાં લાવીને ખવડાવે છે. મુલાકાતીઓનાં વાહનોની સતત અવરજવરથી તેઓને અતિશય ડિસ્ટર્બન્સ થાય જે બચ્ચાંઓ માટે ઘાતક થઈ શકે. માતા-પિતા માળા છોડી પણ દે, તેથી ઈંડાઓ સેવાયા વગર સુકાઈ જાય. બચ્ચાં ખોરાક વગર તરફડી-તરફડીને મૃત્યુ પામે. એક દિવસની ૧૫૦ થી ૧૮૦ વાહનોને જંગલ સફારીની પરમીટ અપાય છે. વાહનોને લીધે અંગારવાયુ ઉત્સર્જન અને અવાજનું સતત પ્રદૂષણ ફેલાય છે. વૃક્ષો તેમનાં પાંદડાં દ્વારા શ્વાસ લે છે. વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળને કારણે પાંદડાઓ પર ધૂળનાં થર જામી જાય છે. કહેવાય છે કે છોડમાં રણછોડ. કોઈપણ કુદરત પ્રેમી સમજી શકે કે વૃક્ષો એટલે કે રણછોડ કેટલી બધી ગુંગળામણ અનુભવતાં હશે!
જંગલમાં ચાર મહિના રજા હોય છે. સારી હોટલો કે રિસોર્ટસમાં ચોમાસામાં પણ ઘણાં પ્રવાસીઓ માત્ર ફરવા અને આરામ કરવા આવે છે. ભૂતકાળમાં દેવળીયા સફારી પાર્ક ચોમાસામાં બંધ રાખવામાં આવતો. હવે ગીર પશ્ચિમમાં સાસણ પાસે દેવળીયા ઉપરાંત ગીર પૂર્વમાં ઘારી પાસે આંબરડી સફારી પાર્ક પણ છે. તેમને બારે માસ ખુલ્લાં રાખવામાં આવે છે. આ બંને સફારી પાર્ક ખુબ સરસ છે - ગીરનાં મોડેલ જેવાં છે. તેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, વિગેરે દ્વારા પ્રવાસીઓને તેમજ તેમનાં બાળકોને રસપ્રદ માહિતી મળે તેવી સુવિધાઓ છે.
આ વર્ષે ગીર અભયારણ્ય અને કદાચ ગુજરાતનાં બીજાં આરક્ષિત વિસ્તારો ૧૬ ને બદલે ૭ મી ઓકટોબરથી ખુલી જશે. જાણવાં મળે છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ ૧૦ અને ૧૧ મી ઓકટોબરે ગીરની બે દિવસની મુલાકાતે પધારશે. ભારત આઝાદ થયાં પછી દેશનાં સર્વોચ્ચ નાગરિક રાષ્ટ્રપતિ ચોથી વખત ગીર નાં મહેમાન થશે. આ અગાઉ પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, ૧૨ માં રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી પ્રતિભા પાટીલ અને ૧૪ માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અનુક્રમે ૧૯૫૦, ૨૦૦૯ અને ૨૦૧૮ માં સિંહ દર્શન કરી ગયેલ છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિગેરે જેવાં મહાનુભાવો ગીરમાં પધારે તેથી રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણયો લેવામાં મદદ થાય છે, અને કેટલાંક મહત્વનાં પ્રશ્રોનો ઝડપી નિકાલ થઈ શકે છે.
ગીરમાં પ્રવાસ કરવા માંગતાં સિંહ પ્રેમીઓને યાદ કરાવવાનું કે જંગલ સફારીની એડવાન્સ ઓનલાઇન પરમીટ લેવી ફરજિયાત છે. એક પરમીટમાં ૬ વ્યકિતઓ જઈ શકે છે.
પરમીટ બૂક કરાવવા માટે માત્ર વન વિભાગની નીચે દર્શાવેલી અધિકૃત લીંક દ્વારા જ જાતે બૂકિંગ કરવું. કોઈપણ અન્ય વ્યકિત, હોટલ, ટ્રાવેલ એજન્ટ, વિગેરે દ્વારા બુકિંગ કરાવવામાં છેતરાવાની પૂરી શક્યતાં છે. https://girlion. gujarat.gov.in
તેમ ભૂષણ પંડ્યા પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ,વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરની યાદીમાં જણાવાયું છે. મો. ૅ૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭, ઈ-મેઇલઃ [email protected] (૪.૧૨)
આલેખન અને તસવીરોઃ
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ,
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર
મોબાઈલ નંબરઃ ૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭, ઈ-મેઇલ : bhushanncl @yahoo.co.in
સંકલન : - જયદેવસિંહ જાડેજા
મોબાઇલ નં. ૯૮રપર ર૮૮૮ર

(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
