News of Monday, 6th October 2025
વાવ-થરાદ જિલ્લાના સરહદીય પંથકમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ: નુકસાનીનું વળતર ચૂકવવા માંગ
નુકસાનીનું વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલા સુઇગામના ખેડૂતો દ્વારા ખેડૂત અધિકાર રેલી યોજી સુત્રોચાર સાથે પ્રાંત કચેરી પહોંચીને વળતરની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી; ખેડૂતોની રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા

વાવ-થરાદ જિલ્લાના સરહદીય પંથક સુઇગામમાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એક મહિનો વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ન ચૂકવાતા આજે રોષે ભરાયેલા સુઇગામના ખેડૂતો દ્વારા ખેડૂત અધિકાર રેલી યોજી સુત્રોચાર સાથે પ્રાંત કચેરી પહોંચીને વળતરની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી આવેદનપત્ર અપાયું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહિ ચૂકવાય તો ખેડૂતો ગામડે-ગામડે બેનરો મારશે અને કોઈપણ નેતાઓને ગામમાં ઘુસવા નહિ દઈએ.જોકે ખેડૂતોની રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને ખેડૂતોને તાત્કાલિક નુકશાનીનું વળતર ચૂકવવા માગ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો જલ્દી વળતર નહિ ચૂકવાય તો અમે સરકારી કચેરીઓને તાળાબંધી કરીશું..
વાવ-થરાદ જિલ્લાના સુઇગામ,ભાભર અને વાવ-થરાદમાં આવેલ ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતાં આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતોને પાક નુકશાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી જોકે તેને એક મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ સરકાર દ્વારા કોઈજ પ્રકારની ખેડૂતોને સહાય ન ચૂકવતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સુઇગામમાં ખેડૂત અધિકાર રેલી નીકાળી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સુત્રોચાર કરતા સુઇગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોને નુકશાનીના વળતર માટે ફોર્મ ભરીને પ્રાંત કચેરીએ આપ્યા હતા અને પાક નુકશાન,જમીન ધોવાણ સહિતના નુક્શાનનું વળતર તાત્કાલિક ચુકવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને તાત્કાલિક સહાય નહિ ચૂકવાય તો ખેડૂતો ગામડે-ગામડે બેનરો મારશે અને કોઈ જ નેતાને ગામમાં ઘુસવા નહિ દઈએ.
તો બીજી તરફ ખેડૂતો સાથે ખેડૂત અધિકાર રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે જોડાઈને સુઇગામ પ્રાંત કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિહ રાજપુતે સરકાર અને અધિકારીઓ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે 30 દિવસ વીતવા છતાં પાક નુકશાની અને જમીન ધોવાણનું વળતર નથી ચૂકવાયું તો ઘર વખરી અને કેશડોલ પણ યોગ્ય રીતે અપાયું નથી જો સરકાર જલ્દી વળતર નહિ ચૂકવે તો તેવો ખેડૂતો સાથે રહીને તાલુકા પંચાયત સહિતની કચેરીએ તાળાબંધી કરશે. તો બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની રજૂઆતને ઉચ્ચ કક્ષાએ મોકવાની ખાતરી આપી હતી.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
