News of Monday, 6th October 2025
NSUIએ સ્મશાન યાત્રા કરી નોંધાવ્યો અનોખો વિરોધ
GCAS પોર્ટલની ખામીઓથી એડમિશન વિવાદઃGCAS પોર્ટલની ટેક્નિકલ ખામીઓથી ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત : ૩૦ રાઉન્ડ પછી પણ સમસ્યા યથાવત

અમદાવાદ, તા.૬
રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં અને તેની સંલગ્ન કોલેજોમાં એડમિશન માટે સરકારી GCAS પોર્ટલ બીજા વર્ષે પણ વિવાદમાં રહ્યું. આ વખતે પણ GCAS પોર્ટલની ટેક્નિકલ ખામીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓનો પ્રવેશ સમયસર થઈ શક્યો નહીં અને આ વખતે પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જે મામલે અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન NSUI એ GCAS ની સ્મશાન યાત્રા કાઢી અનોખો વિરોધ નોંધાવ્યો અને ઝડપથી આ ખામીઓ દૂર કરવા અને એડમિશન પ્રોસેસ પતાવવા રજૂઆત કરી છે.
આ વખતે પણ કોલેજોમાં એડમિશન માટે સરકારે GCAS પોર્ટલ દ્વારા જ સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રોસેસ હાથ ધરી હતી. જો કે પહેલા દિવસથી જ GCAS નાં નામનો કંકાસ શરૃ થઈ ગયો હતો. કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ મામલે યુનિવર્સિટીમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી પણ કોઈ પરિણામ ન આવ્યું. જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો નહિ.
એક સમયે GCAS ના કારણે રોજે રોજ એડમિશન માટે રાઉન્ડ બહાર પડાવવાની ફરજ પડી. પ્રવેશ પ્રક્રિયા માટે ૩૦થી વધુ રાઉન્ડ બહાર પાડવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયાનો આરોપ NSUI એ લગાવ્યો છે.
એટલું જ નહીં સરકારી કોલેજોમાં એડમિશન ન થાય અને વિદ્યાર્થીઓ કંટાળીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે તેવો કાવતરો રચવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો. એડમિશન પ્રક્રિયા માટે GCASની કંકાસ સામે NSUI નો અનોખો વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં જાણે GCAS ની ખામીઓથી સત્તા તંત્રનો આત્મા જ મરી ગયો હોય તેમ NSUI એ સ્મશાન યાત્રા યોજી ઠાઠડી બાળી. NSUI અને વિદ્યાર્થીઓએ GCAS ની સ્મશાન યાત્રા યોજી વિરોધ કર્યો. NSUI નો આરોપ છે કે ૭ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર ૩૦ રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી છે.
લાંબી પ્રવેશ પ્રક્રિયા બાદ પણ એડમિશનની પળોજણ યથાવત રહી. મહત્વનું ગત વર્ષે પણ GCAS પોર્ટલમાં ખામીના કારણે ગર્લ્સ કોલેજોમાં બોયસને એડમિશન ફાળવતા વિવાદ થયો હતો. તો આ વખતે GCAS નો કંકાસ યથાવત જોવા મળ્યો.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
