News of Tuesday, 7th October 2025
૭૯૦ ગ્રામનું વજન-૭૫ દિવસનો જંગ
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં અઢી મહિનાની સઘન સારવાર આપીને નવજીવન બક્ષ્યું

પાટણ,તા.૦૭: પાટણ પાસે ધારપુરમાં અધૂરા મહિને જન્મેલા બાળકનું વજન માત્ર ૭૯૦ ગ્રામ હતું. અધૂરા મહિને જન્મેલું, અતિશય જોખમી કહેવાય એટલું ઓછું વજન અને સાથે હાઇપોથર્મિયાની સમસ્યાથી પીડિત આ નવજાત બાળકને ધારપુર સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં અઢી મહિનાની સઘન સારવાર આપીને નવજીવન બક્ષ્યું છે.
ધારપુરની પીના મોદીને ૧૪ જુલાઈએ સાતમા મહિને પ્રસૂતિ થઈ હતી. એ સમયે બાળકનું વજન અતિ ઓછું હોવાથી અને તેનાં ફેફસાં કાચાં હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. આ ઉપરાંત તે હાઇપોથર્મિયાની સમસ્યાથી પીડિત હતું. આવી પરિસ્થિતિ વચ્ચે પરિવારજનો તેને ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેને સઘન સારવાર આપીને બચાવી લીધું હતું. ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગનાં વડાં ડો. નેહા શર્માએ કહ્યું હતું કે ‘આ કેસ અત્યંત પડકારજનક હતો, કારણ કે અધૂરા માસે જન્મેલા બાળકનું વજન ઓછું હતું અને તેને કેટલીક મુશ્કેલી ઊભી થઈ હતી. તેને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ, શ્વાસ લેવાનું ભૂલી જવાની સમસ્યા માટે વિશેષ ઇન્જેક્શનો અને પાંડુરોગ તેમ જ દૂધના અપચાની સારવાર સહિતની જરૂરી સારવાર આપવામાં આવી હતી. અઢી મહિના સુધી બાળકની સતત દેખરેખ રાખીને સારવાર અપાતાં બાળકનું વજન વધીને ૧.૫ કિલો થયું હતું. બાળક ચેપમુક્ત અને સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.'
બાળકને જે પ્રકારે સારવાર અપાઈ એ ખાનગી હોસ્પિટલમાં અપાઈ હોત તો આશરે છથી સાત લાખ રૂપિયા ખર્ચ થાત, પરંતુ આ સરકારી હોસ્પિટલ હોવાથી એક પણ રૂપિયાના ખર્ચ વગર અઢી મહિનાની સઘન સારવાર બાદ બાળકને રજા આપવામાં આવી હતી.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
