તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 8th October 2025
ગુજરાતમાં એમ.બી.બી.એસ.ની ૧ર૦૦૦ જગ્યાઓ સામે ર૦૦૦૦ અરજીઓઃ મંત્રી ઋષિકેશ પટેલ
વિવિધ તાલુકાઓ માટે ટી.બી.નિદાનના ૧૮૦ મશીનો અર્પણ રાજયમાં આરોગ્યની સ્થિતિ મજબૂત હોવાનુ જણાવતા આરોગ્ય મંત્રી

ગાંધીનગર, તા. ૮: રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે ગઇકાલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામકશ્રી કેન્સર ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
કેન્સર : કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા ૭૫ ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં જ નિદાન પામે છે, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર ભારે આર્થિક ભારણ પડે છે અને જીવન ગુણવત્તા ઘટે છે. પરંતુ જો વહેલી તકે નિદાન થાય તો સારવાર અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને દર્દીનું જીવનગુણવત્તા જળવાઈ રહે છે.
ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર ઞ્ઘ્ય્ત્ સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે ૨૭,૦૦૦ આરોગ્ય કર્મીઓને રૂ. ૬.૭૨ કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.
ટીબી મુક્ત ભારતની નેમમાં ગુજરાતની પ્રતિબધ્ધતાને દર્શાવતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા' મંત્રને ધ્યાને રાખી રાષ્ટ્રસેવા માટે દિવસ-રાત કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી શ્રીએ આપેલ જન કલ્યાણકારી યોજના આયુષ્માન કાર્ડ અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર હવે નિઃશુલ્ક થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આ સાથે જ જેનેરીક દવાઓના કારણે અગાઉ ૧૦૦ રૂપિયામાં મળતી દવાઓ આજે રૂ.૩૦ થી પણ ઓછામાં મળતી થઈ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી આહવાન કરી સ્વદેશી અને સ્વનિર્ભરતાની આહલેક જગાવી છે ત્યારે કાપડ, અન્ન, ઇલેક્ટ્રોનિક્સ કે કોઈપણ વસ્તુ સ્વદેશી જ ઉપયોગમાં લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
જ્યારે આજે ૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડોક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ તંત્રને પ્રાપ્ત થઈ છે જે ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપી જાય છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિકસિત ભારતની પરિકલ્પનામાં વિકસિત ગુજરાત માટે પ્રયત્નશીલ રહેવા અને વિકસિત ભારત તરીકે ભવિષ્યની પેઢી એક સ્ટેટસ એટલે કે ગૌરવ મેળવી શકે તેવા રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગી બનવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ૨૦૦૧ પહેલા ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપની આપદાઓ સાથે જ માળખાકીય સુવિધાઓની અત્યંત તકલીફ હતી. એક સમયે એવો હતો જ્યારે લોકોને પીવા માટે સામાન્ય દિવસોમાં વ્યક્તિદીઠ માત્ર ૨૦લી. પાણી અને ઉનાળામાં વધુમાં વધુ ૩૦ લીટર પાણી આપી શકવાની ક્ષમતા રહેતી. આ માટે પણ ૧૮૦૦ ટીડીએસ, ૨૨૦૦ ટીડીએસના ભાંભરા પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર રહેતા.
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ઉમદા પ્રયાસને દર્શાવતી ‘સ્વસ્થ નાગરિક સશક્ત શહેર' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ તથા અંગદાન માટેના શપથ લઇ દેશના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આરોગ્ય કમિશનર અર્બન શ્રી હર્ષદ પટેલે આભાર દર્શન કર્યું હતું.(૬.૧૩)
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
