News of Wednesday, 8th October 2025
અમરેલી જિલ્લા ભાજપમાં જૂથબંધી ફરી સપાટી પર
અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ કાર્યક્રમમાં સાંસદ, જિલ્લા ભાજપના પ્રમુખ અને જિલ્લાના પાંચ ધારાસભ્યોની ગેરહાજરીઃ આંતરિક જુથવાદ હોવાની ભારે ચર્ચા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૮: અમરેલી જિલ્લા અને શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી ફરી સપાટી પર આવી છે અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ મિલ્ક ડે ના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ,જિલ્લાના પાંચ ધારાસભ્યોની ગેરહાજરીને લીધે અમરેલી ભાજપમાં બધું સમુ સુતરું નથી તેના અહેવાલો જાહેર જતા ભારે રાજકીય ચર્ચા જાગી છે.
અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો અને માલધારીઓ જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ઉપરાંત જિલ્લાની સહકારી ક્ષેત્રની મોટી સંસ્થા કહેવાતી અમર ડેરી દ્વારા શરદોસ્તવનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો,સાંસદો અને ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંધાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો અને આ બંને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા પરંતુ જીલ્લાના બાકીના રાજકીય આગેવાનોની ગેરહાજરીએ રાજકીય ગલીયારામા ભારે ચર્ચા જગાવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો જેમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, લાઠી અને ધારીના ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત વર્તમાન સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો પણ ગેરહાજર રહ્યા હતા.
જો કે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી હાજર રહ્યા હતા પરંતુ જિલ્લાના પાંચ ધારાસભ્યો, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખની ગેરહાજરીથી લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ખૂબ જ વધી ઞયો છે.
આ બાબતના અહેવાલ બાદ ભાજપના મોવડી મંડળે પણ ગંભીર નોંધ લીધી છે અને માહિતી પણ મંગાવી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
