News of Wednesday, 8th October 2025
'પાણી નહીં, તો વૉટ નહીં'ના સુત્રોચાર:છાણીમાં પાણી માટે રોષે ભરાયેલા રહીશોનો પાલિકાની વડી કચેરીએ હલ્લાબોલ
રહિશોએ હાથમાં માટલા અને બેનરો લઈ હલ્લાબોલ કર્યો :મ્યુનિસિપલ કમિશનરની કચેરીના પ્રવેશદ્વાર બહાર જ મહિલાઓએ માટલા ફોડી પોતાના રોષ વ્યક્ત કર્યો

વડોદરા શહેર હાલ પાણીની તંગીથી ઝઝૂમી રહ્યું છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા શરદનગર, એકતાનગર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સતત પાણીની અછત સર્જાઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં પણ પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ ન આવતા આજે સ્થાનિક રહીશો ધીરજ ગુમાવીને પાલિકાની વડી કચેરીએ પહોંચી ગયા હતા.
રહિશોએ હાથમાં માટલા અને બેનરો લઈ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરની કચેરીના પ્રવેશદ્વાર બહાર જ મહિલાઓએ માટલા ફોડી પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી.
રહીશોનું કહેવું છે કે, અનેક દિવસોથી પાણી ન મળતા રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તો લોકોને પોતાના ઘરના કપડા બીજાના ઘરે જઈને ધોવા પડે છે જે એક સ્માર્ટ સિટીને શરમજનક બનાવે છે.
આ વિસ્તાર વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તાર હેઠળ આવે છે, પરંતુ છતાં પણ સમસ્યાનું યોગ્ય નિવારણ થયું નથી તેવી લોકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.
રહીશોએ જણાવ્યું કે તંત્રના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પાણી વિના જીવવું મુશ્કેલ બની ગયું છે અને બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો સૌથી વધુ પરેશાન છે. આક્રોશિત નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં સમસ્યાનો સ્થાયી ઉકેલ નહીં આવે તો તેઓ આવનારી મ્યુનિસિપલ ચૂંટણીનો બહિષ્કાર કરશે. પાલિકા તંત્રે હવે તાત્કાલિક પગલાં લઈ પૂરતું પાણી પુરવઠો સુનિશ્ચિત કરવું જોઈએ એવી માંગ ઉઠી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
