<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

સુરતના ઉધના વિસ્તારમાં ડબલ મર્ડર: સાળી સાથે લગ્ન કરવાની જીદમાં બનેવીએ સાળા-સાળીની હત્યા કરી

વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી: પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને ઝડપી પાડ્યો

સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં તારીખ 8 ઓક્ટોબરની મોડી રાત્રે એક ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિએ તેની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને સાળીની ચપ્પુના ઘા મારીને કરપીણ હત્યા કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો નિશ્ચય અશોક કશ્યપ, તેની બહેન અને માતા સાથે લગ્નની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો. પરંતુ, તેમના સુરત આવવાના થોડા જ દિવસો પહેલા જ, 34 વર્ષીય બનેવી સંદીપ ઘનશ્યામ ગૌરના માથે હવસનુ ભુત સવાર થયું હતું. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હોવાનું જણાવ્યું હતું અને તેની છેડતી કરી હતી.

સંદીપે કરેલી આ માંગને લઈને ઘરમાં ઝઘડા થયા હતા. સાળા નિશ્ચયે બનેવી સંદીપને ઠપકો આપ્યો હતો, ત્યારે સંદીપ હેવાન બની જતા. તેણે ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. ભાઈને બચાવવા જતા બહેન મમતાને પણ ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી, જેની હાલમાં સારવાર ચાલી રહી છે. 

ઘટનાની જાણ થતાં જ ઇન્સપેક્ટર દેસાઈ, DCP દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતનાં માતમથી પટેલનગરમાં આઘાત અને ચિંતાનો માહોલ ફેલાયો છે

(12:57 PM IST)