News of Thursday, 9th October 2025
સુરતના પુણાગામ સ્થિત મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પહોંચેલી ફાયર વિભાગની ટીમને એક ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો : અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં બે ફાયરકર્મીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા
બ્લાસ્ટની ઘટનાને પગલે દીવાલ પણ પડી , ઘર વખરીનો સમાન બળી ગયો, પતરા પણ તૂટી ગયા અને બારી બારણા પણ તૂટી ગયા : ભયાવહ દૃશ્યો વીડિયોમાં કેદ

સુરત તા.૯ : સુરતના પુણાગામ સ્થિત વિક્રમ નગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પહોંચેલી ફાયર વિભાગની ટીમને એક ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં બે ફાયરકર્મીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ફાયરકર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ભયાવહ ઘટનાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટની ક્ષણ સ્પષ્ટપણે દેખાય છે.
આગનું કારણ અને ફાયર વિભાગની તત્કાળ કાર્યવાહી
મળતી માહિતી મુજબ સુરતના પુણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલી વિક્રમ નગર સોસાયટીમાં ઘર નંબર-50ના ત્રીજા માળે 10 બાય 10ની 6 રૂમો ભાડાથી અપાયેલી છે જેમાં એક રૂમમાં સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી હતી, જેથી ત્યાં રહેતા તમામ લોકો બહાર નીકળી ગયા હતા અને આગ અંગેની જાણ સવારે 6.11 વાગ્યે ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી કાપોદ્રા, પુણા, ડુંભાલ ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી.
બ્લાસ્ટમાં ફાયરકર્મીઓ સહિત ચાર ઘાયલ
ફાયર વિભાગના જવાનો આગ પર કાબુ મેળવવા જતા જ હતા એવામાં ત્યાં રહેલો ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો જેમાં ફાયર વિભાગના બે જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાસુદેવ પટેલને ગંભીર ઈજા થઇ છે. આ ઉપરાંત બ્લાસ્ટના પગલે બે સ્થાનિકોને પણ સામાન્ય ઈજા થઇ હતી. બ્લાસ્ટની ઘટનાને પગલે ત્યાં દીવાલ પણ પડી ગયી હતી. આ ઉપરાંત ઘર વખરીનો સમાન પણ બળી ગયો હતો. જયારે પતરા પણ તૂટી ગયા હતા અને બારી બારણા પણ તૂટી ગયા હતા.
ભયાવહ દૃશ્યો વીડિયોમાં કેદ થયા
ગેસ સીલીન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ત્યાં આગ લાગી છે અને ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા માટે ત્યાં જાય છે એવામાં ત્યાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થાય છે અને મકાનમાં પતરા તૂટીને હવામાં ઉડે છે. આ ઘટનામાં ફાયર વિભાગના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
