<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વડોદરામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો મંગળવારે રોડ શો અને જાહેર સભા

દુમાડથી શરૂ થઈ કારેલીબાગ સુધી અંદાજે 25 હજાર જેટલા ભાજપ કાર્યકરોના જનસાગર વચ્ચે રોડ શો બાદ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન

વડોદરા :ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે વડોદરા શહેર ભાજપ દ્વારા ભવ્ય રોડ શો યોજાનાર છે. આ કાર્યક્રમ 14 ઑક્ટોબરના રોજ સવારે દુમાડથી શરૂ થઈ કારેલીબાગ સુધી યોજાશે. અંદાજે 25 હજાર જેટલા ભાજપ કાર્યકરોના જનસાગર વચ્ચે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

રોડ શોની સમાપ્તિ બાદ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ વિશ્વકર્મા કાર્યકરોને સંબોધિત કરશે. જાહેર સભામાં શહેરના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

વડોદરા શહેર ભાજપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિવિધ મંડળો અને મોરચાઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. માર્ગ પર સ્વાગત આર્ચ, ફલક અને બેનરો લગાવવામાં આવશે, તેમજ રોડ શો દરમિયાન સંગીતબંધી, યુવા મોરચા દ્વારા મોટરસાયકલ રેલી અને મહિલામોરચા દ્વારા પુષ્પવર્ષા જેવી અનોખી ઉજવણી થવાની છે.

જગદીશ વિશ્વકર્મા છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષના સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકેની તેમની નિમણૂક પછી પ્રથમ વખત તેઓ વડોદરા આવી રહ્યા છે, જેના પગલે શહેરના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાજપના શહેર પ્રમુખ દ્વારા જણાવાયું છે કે વડોદરા ભાજપ માટે આ ગૌરવનો ક્ષણ છે અને શહેર ભાજપ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આવનારા લોકસભા અને વિધાનસભા ચુંટણીઓ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. આ રોડ શો વડોદરા ભાજપ માટે એકતા, શિસ્ત અને શક્તિનું પ્રદર્શન સાબિત થવાનો છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ 10 ઓક્ટોબર, 2025ના રોજ શુક્રવારે યોજાશે. આ પ્રવાસમાં તેઓ અંબાજી ખાતે દર્શન અને પૂજન કરશે, 'હર ઘર સ્વદેશી' અભિયાનમાં જોડાશે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં કાર્યકર્તાઓ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં હાજરી આપશે અને ગાંધીનગરમાં 'મેરા દેશ પહેલે' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(12:26 PM IST)