તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
પાદરાના આંતી ગામમાં 8 ફૂટનો લાંબો મગર સીમમાં આવી ચડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ
પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી :ટીમના સભ્યોએ મગરને ઇજા ન થાય એ રીતે દોરી અને લાકડાના સહારે સાવચેતીપૂર્વક કાબૂમાં લીધો: રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને સુરક્ષિત રીતે પાંજરામાં પુરવામાં આવ્યો

વડોદરા : વડોદરાના પાદરા તાલુકામાં ફરી એકવાર મગર દેખાયો છે. તાલુકાના આંતી ગામમાં આજે સવારે આશરે આઠ ફૂટ લાંબો મગર ગામની સીમમાં આવી ચડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ગામના કેટલાક યુવાનોને પાણીના નાળા પાસે હલચલ જણાતા તેમણે નજીક જઈ જોયું તો મોટો મગર દેખાયો હતો. આ દૃશ્ય જોઈ ગ્રામજનો ચીસો પાડી ભાગી ગયા હતા અને તાત્કાલિક ગામમાં જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમના સભ્યોએ મગરને ઇજા ન થાય એ રીતે દોરી અને લાકડાના સહારે સાવચેતીપૂર્વક કાબૂમાં લીધો હતો. લગભગ અડધો કલાક ચાલી રહેલા આ રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને સુરક્ષિત રીતે પાંજરામાં પુરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
મગર પકડાયા બાદ ગ્રામજનોમાં હાશકારો વ્યાપી ગયો હતો. ગામલોકોએ જીવ રક્ષક ટીમના કાર્યની પ્રશંસા કરી હતી. સ્થાનિકો જણાવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તાલુકાના વિવિધ ગામોમાં મગર દેખાવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ખાસ કરીને વરસાદી મોસમ બાદ પાણીના સ્ત્રોતોમાં વધારો થતાં આ રેંગતા પ્રાણીઓ માનવ વસાહતોની નજીક પહોંચી જાય છે.
આંતી ગામના ગ્રામજનો અને સરપંચે વન વિભાગને રજૂઆત કરી છે કે ગામની આસપાસના નાળાઓ અને તળાવોમાં નિયમિત દેખરેખ રાખવામાં આવે તેમજ શક્ય હોય ત્યાં વાડબંધી કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી આવા બનાવો ફરી ન બને. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
