News of Saturday, 11th October 2025
અંકલેશ્વર GIDCમાં કપડાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં હલચલ
લગભગ એક કલાકની સતત કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી

અંકલેશ્વર GIDC વિસ્તારના ગણેશ સ્કવેર પાસે આવેલી એક કપડાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. ‘જય અંબે કલેક્શન’ નામની આ દુકાનમાં લાગી આવેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આકસ્મિક રીતે ફાટી નીકળેલી આગને કારણે દુકાનમાં રહેલો તમામ કપડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગણેશ સ્કવેર વિસ્તારમાં આવેલી દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈ આસપાસના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા. તરત જ અંકલેશ્વર નગરપાલિકાના DPMC ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ચાર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ એક કલાકની સતત કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન જેમ કે કપડાં, કાઉન્ટર સામગ્રી અને ફર્નિચર બળીને ખાક થઈ ગયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દુકાનમાં અગ્નિસુરક્ષા સાધનોની અછત જોવા મળી હતી. વેપારીઓને આગની આવી ઘટનાઓથી બચવા માટે સેફ્ટી નોર્મ્સનું પાલન કરવાની તથા ફાયર સેફ્ટી ઉપકરણો રાખવાની સલાહ આપવામાં આવી છે. પોલીસ મથકે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગનગર તરીકે ઓળખાતા અંકલેશ્વર વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગેના પ્રશ્નો ઉઠાવ્યા છે. વેપારીઓમાં પણ આ ઘટના બાદ ચિંતાનો માહોલ સર્જાયો છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
