<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

પ્રણય ત્રિકોણમાં મહિલા અને તેની બે વર્ષની દીકરીની હત્યા કરી પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું :સ્યુસાઇડ નોટમાં અનેક રહસ્યો ખુલ્યા

પત્નીના ભાભી સાથે પ્રેમ થતા પોતાની પત્નીને તરછોડી, સામે મહિલાએ પણ પોતાના પતિને છોડી દીધો, જોકે પ્રેમસંબંધ દરમિયાન અન્ય એક યુવક સાથે મહિલાને પ્રેમ થઈ ગયો: ચાંગોદરમાં લોદરીયાદ ગામમાં સીમમાં ઓરડીમાં લોહીથી લથપથ ત્રણ લાશ મળી હતી

અમદાવાદ જિલ્લામાં લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે. એક યુવક જેને પોતાની પત્નીના ભાભી સાથે પ્રેમ થયો અને તેણે પોતાની પત્નીને તરછોડી, સામે મહિલાએ પણ પોતાના પતિને છોડી દીધો, જોકે પ્રેમસંબંધ દરમિયાન અન્ય એક યુવક સાથે મહિલાને પ્રેમ થઈ ગયો અને અંતે પ્રણય ત્રિકોણમાં મહિલા અને તેની બે વર્ષની દીકરીની હત્યા કરી પ્રેમીએ પણ જીવન ટૂંકાવી નાખ્યું. જોકે આ બનાવ પહેલા પ્રેમી યુવકે ફોનમાં બનાવેલો વીડિયો અને લખેલી સ્યુસાઇડ નોટમાં અનેક રહસ્યો ઉજાગર થયા છે.

 

અમદાવાદ ગ્રામ્યમાં આવતા ચાંગોદરમાં લોદરીયાદ ગામમાં 10 ઓક્ટોબરના રોજ સમગ્ર બનાવ બન્યો હતો, પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ગામના સીમમાં આવેલા સાણંદ બાવળા રોડ પરની એક ઓરડીમાં ત્રણ લાશ લોહીથી લથપથ હાલતમાં છે. જે જાણ થતા ગ્રામ્ય એસ.પી ઓમ પ્રકાશ જાટ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જોતા રણછોડ પરમાર, ગીતાબેન વાણીયા અને એક બે વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ત્રણેના ગળા ઉપર તીક્ષણ હથિયારથી હુમલો કરાયો હોય તેવા ઇજાના નિશાન હતા. જેથી પોલીસને એવી આશા હતી કે આ ત્રણેયની હત્યા કરવામાં આવી હોય. જોકે ઓરડીમાંથી પોલીસને 10 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી, તેમજ રણછોડ પરમારનો મોબાઈલ ફોન મળતા આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. રણછોડ પરમારે પહેલા ગીતા વાણીયા અને તેની બે વર્ષની દીકરીને ગળામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી અને બાદમાં પોતાના હાથની નસ અને ગળા ઉપર કટર ફેરવી પોતે આત્મહત્યા કરી હતી.

 

પોલીસને મળેલી સુસાઇડ નોટમાં અનેક ખુલાસાઓ થયા હતા. જેમાં સામે આવ્યું હતું કે ગીતા વાણીયા નામની મહિલા અને તેની દીકરીની હત્યા કરનાર રણછોડ પરમાર છેલ્લા સાત વર્ષથી ગીતા વાણીયા સાથે પ્રેમ સંબંધમાં હતો, રણછોડ પરમારની પત્નીની ભાભી ગીતા વાણીયા સાથે તેને પ્રેમ સંબંધ બંધાતા તેની પત્નીને તરછોડી મુકી હતી અને ગીતા વાણીયાએ પણ તેના પતિ સામે છુટાછેડાનો કેસ કર્યો હતો. ગીતા વાણીયા અમરાઈવાડી વિસ્તારમાં રહેતી હતી અને છેલ્લા એક દોઢ વર્ષથી બનાસકાંઠાના સંજય ઠાકોર નામના બનાસકાંઠાના યુવકના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રણછોડ પરમાર ગીતા વાણિયાને પ્રેમ કરતો હોવાથી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ રણછોડ ઉગ્ર સ્વભાવનો હોવાથી ગીતા વાણીયાએ સંજય ઠાકોર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જે બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતાં રણછોડ પર મારે ગીતા વાણીયા અને તેની દીકરીને મોતને ઘાટ ઉતારી પોતે પણ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

 

પોલીસને રણછોડ પરમારના મળી આવેલા મોબાઈલ ફોનમાં તેણે આ ગુનાને અંજાર માપતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો જે પણ મળી આવ્યો છે જેમાં તેણે અમે એવી યાદો બનાવીશું કે દુનિયા અમને યાદ રાખશે,, તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રણછોડ પરમારે સ્યુસાઇડ નોટમાં સંજય ઠાકોરનો પણ ઉલ્લેખ કર્યો છે જેથી ગ્રામ્ય પોલીસે મૃતક ગીતા વાણિયાના પ્રેમી સંજય ઠાકોરની પણ પૂછપરછ હાથ ધરી છે,જોકે સ્યુસાઈડ નોટમાં તેણે પોલીસ સહિતના અનેક લોકોને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. તેવામાં હવે પોલીસે રણછોડ પરમાર સામે બે હત્યાનો ગુનો નોધી આ બનાવના મૂળ સુધી જવા પ્રયત્ન કર્યો છે. જેથી હવે પોલીસ તપાસના અંતે શું ખુલાસા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

(6:43 PM IST)