News of Sunday, 12th October 2025
ગુજરાતના રાજકારણમાં દિવાળી સસ્પેન્સ: મંત્રીમંડળના વિસર્જનની અટકળોથી મંત્રીઓ અવઢવમાં! 'દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે માત્ર ધારાસભ્ય?'
માત્ર મંત્રીમંડળ જ નહીં, પણ તેમના અંગત સ્ટાફ (પીએ અને પીએસ) પર પણ લટકતી તલવાર તોળાઈ રહી છે, જેના કારણે મહત્ત્વના નિર્ણયો પણ પેન્ડિંગ પડ્યા

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં હાલમાં મંત્રીમંડળના સંભવિત વિસર્જનની અટકળો ચરમસીમાએ છે, જેના કારણે વર્તમાન મંત્રીઓમાં ભારે મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની વરણી થયા બાદ કેબિનેટમાં મોટા ફેરફારોની શક્યતાઓ જોરદાર બની છે. આ સંભવિત ફેરફારોની અસર હવે મંત્રીઓના અંગત જીવન અને વહીવટી કાર્ય પર પણ જોવા મળી રહી છે.
સૌથી વધુ મૂંઝવણ મંત્રીઓના આગામી દિવાળી શુભેચ્છા કાર્ડના ફોર્મેટ પર છે. નજીકના ભવિષ્યમાં પોતાનું પત્તું કપાશે કે કેમ, તેની અનિશ્ચિતતાને કારણે ઘણાં મંત્રીઓ તેમના મતદાર ક્ષેત્રોમાં મોકલાતા કાર્ડમાં શું લખવું તે અંગે અવઢવમાં છે:
એક મંત્રીએ તો પોતાની આ મજબૂરી વ્યક્ત કરતાં સીએમ ઓફિસમાં ફોન કરીને પૂછ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કે, "અમારે દિવાળીના કાર્યક્રમોમાં મંત્રી લખીને આમંત્રણ આપવું કે ધારાસભ્ય તરીકે, જેથી ખ્યાલ આવે કે અમારું પત્તું કપાય છે કે નથી કપાતું?"
મંત્રીમંડળનું વિસર્જન દિવાળી પહેલાં થશે કે પછી, તે વાત સચિવાલય અને વિધાનસભા સંકુલમાં હાલની સૌથી મોટી ચર્ચા છે.
હાઇકમાન્ડના નિર્ણય પર અંતિમ ભરોસો હોવાથી, મંત્રાલયોની ઓફિસોમાં ભેટ-સોગાદો અને પેન્ડિંગ કામો પર પણ અસર પડી રહી છે.
કેટલાંક મંત્રીઓને પોતાનું પત્તું કપાવાનો સ્પષ્ટ અણસાર આવી ગયો હોવાથી, તેમની નિયુક્તિ પર આવેલા પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) અને સ્ટાફે તો અત્યારથી જ પોટલાં બાંધવા (અન્ય જગ્યાએ જવાની તૈયારી કરવી) શરૂ કરી દીધા હોવાના અહેવાલો છે.
હાલમાં મોટા ભાગના ફોન કોલ્સમાં પણ "દિવાળી પછી ખબર પડે" એ વાતને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મંત્રીઓ અને તેમનો સ્ટાફ ગમે ત્યારે કોઈ ફોન કે સત્તાવાર યાદી બહાર પડે તેની રાહ જોઈને મોબાઇલ સ્ક્રીન પર મીટ માંડી રહ્યા છે.
રાજનીતિજ્ઞો દ્વારા મંત્રીઓના કામ અને કૌભાંડોનું મૂલ્યાંકન કરીને વિસર્જનની આગાહીઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કોના નામો કપાશે તેની અનેક અટકળો ચાલી રહી છે. સક્રિય અને નિષ્ક્રિય મંત્રીઓના નામોની ચર્ચા હાલમાં સચિવાલયની મુખ્ય ચર્ચા છે. માત્ર મંત્રીમંડળ જ નહીં, પણ તેમના અંગત સ્ટાફ (પીએ અને પીએસ) પર પણ લટકતી તલવાર તોળાઈ રહી છે, જેના કારણે મહત્ત્વના નિર્ણયો પણ પેન્ડિંગ પડ્યા છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
