<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

વડોદરામાં લુખ્‍ખાઓનો આતંકઃ બે શખ્‍સોએ જાહેરમાં તલવાર અને ખંજરથી યુવક પર કર્યો હુમલોઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બન્‍ને આરોપીઓને કલાકોમાં જ ઝડપી લીધાઃ જાહેરમાં કાન પકડી ઉઠબેસ કરાવી માફી મંગાવીઃ હથીયારો જપ્‍ત

વડોદરા: શહેરમાં ફરી એકવાર તલવાર અને ખંજર લહેરાવવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વૃંદાવન ટાઉનશીપ પાસે બે શખ્સોએ એક યુવક પર જાહેરમાં તલવાર અને ખંજર વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો અને સીસીટીવી ફૂટેજ ઝડપથી વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી ફરદીન દિવાન અને સફુરદિન દિવાન નામના બંને શખ્સોએ કોઈ અંગત અદાવતને લઈને એક યુવક પર રસ્તા વચ્ચે હુમલો કર્યો હતો. બંને હાથમાં તલવાર અને ખંજર લઈને યુવકનો પીછો કરતા દેખાયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા વારસિયા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. સદનસીબે, યુવકને ગંભીર ઇજા પહોંચતા પહેલા જ આસપાસના લોકોએ મધ્યસ્થતા કરતાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી અને થોડા જ કલાકોમાં બંનેને ઝડપી લીધા હતા. ધરપકડ બાદ પોલીસે આરોપીઓની ધમાલ અટકાવવા માટે અનોખી કાર્યવાહી કરતાં તેમને જાહેરમાં કાન પકડી ઉઠબેસ કરાવી માફી મંગાવી હતી. આ દૃશ્ય પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું.

પોલીસે આરોપીઓ સામે શસ્ત્ર ધારા જાહેરમાં ભય ફેલાવવાનો ગુનો નોંધ્યો છે અને તલવાર તથા ખંજર બંને હથિયાર જપ્ત કર્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરમાં કોઈપણ પ્રકારની ગુંડાગીરી, હથિયારબાજી અથવા ભય ફેલાવવાનો પ્રયાસ કરનારને છોડવામાં નહીં આવે. તાજેતરમાં શહેરમાં સતત થતાં આવા બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસએ પેટ્રોલિંગ અને સીસીટીવી સર્વેલન્સ વધારવાની પણ જાહેરાત કરી છે.

સ્થાનિક લોકોમાં આ બનાવ બાદ ભયનો માહોલ સર્જાયો છે, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસનો માહોલ પણ જોવા મળ્યો છે.

(2:25 PM IST)