News of Sunday, 12th October 2025
કરમસદ-આણંદ મહાપાલીકામાં કમિશનર મિલિન્દ બાપનાનો સપાટોઃ બે કર્મચારીને છુટા કરી દેવામાં આવ્યા
મનપાના લગ્ન નોંધણી વિભાગ અને દિવાબતી વિભાગના કર્મચારીને બેદરકારી અને અયોગ્ય વર્તન અંગે મળેલી ફરીયાદોને ધ્યાને લઇ તાત્કાલીક અસરથી બન્નેને છુટા કરી દેવાયા

આણંદઃ કરમસદ-આણંદ મહાનગર પાલિકામાં કર્મચારીઓની ગેરવર્તણૂકના મામલે મનપા કમિશનર મિલિન્દ બાપનાએ કડક વલણ અપનાવતા બે કર્મચારીઓ પર સપાટો બોલાવ્યો છે. મનપાના લગ્ન નોંધણી વિભાગના કર્મચારી માલવ પટેલ અને દિવાબત્તી વિભાગના કર્મચારી યશ સંધવીને ફરજ દરમ્યાન બેદરકારી અને અયોગ્ય વર્તન અંગે મળેલી ફરિયાદોને ધ્યાને લઇને તાત્કાલિક અસરથી બંનેને છુટા કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર મનપા સંકુલમાં ખળભળાટ મચી ગયો છે.
દિવાબત્તી વિભાગમાં ફરજ બજાવતા યશ સંધવી સામે અનેકવાર નાગરિકોની ફરિયાદો મળી હતી કે સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા છતાં તેઓ ગંભીરતા દાખવતા નહોતા. ફરિયાદ કરનાર સાથે અયોગ્ય વર્તન કરતો હતો અને ઉપરી અધિકારીની સૂચના હોવા છતાં સમારકામ માટે સ્થળ પર જતો નહોતો. મનપા સૂત્રો મુજબ, યશ સંધવી થોડા સમય પહેલા એક કાઉન્સિલર અને રાજકીય નેતાની ભલામણથી નોકરી પર જોડાયો હતો, જેના રાજકીય પીઠબળના કારણે તે નિયમોની અવગણના કરતો રહ્યો હતો.
તે જ રીતે લગ્ન નોંધણી વિભાગના કર્મચારી માલવ પટેલ પણ ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હતા. અરજદારોને નોંધણી માટે લાંબી રાહ જોવી પડતી હતી, સમયસર કચેરીમાં હાજરી આપતા નહોતા અને અરજદારો સાથે અસભ્ય વર્તન કરતા હતા. અનેક વાર ચેતવણીઓ આપ્યા છતાં વર્તનમાં સુધારો ન આવતા અંતે મનપા કમિશ્નરે બંને સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
કમિશનર મિલિન્દ બાપનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મનપામાં ફરજ બજાવતાં દરેક કર્મચારી પ્રજાને સેવા આપવાની જવાબદારી સાથે જોડાયેલા છે. ફરજ દરમિયાન બેદરકારી કે ગેરવર્તણૂક બિલકુલ સહન કરવામાં આવશે નહીં. મનપામાં શિસ્ત અને જવાબદારીનો માહોલ જળવાઈ રહે તે માટે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
