News of Sunday, 12th October 2025
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ઝુંબેશઃ ૭ લાખની કિંમતનો ૩૪૧૧ કિલો મીઠાઇ-માવાનો જથ્થો જપ્ત
અમદાવાદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી માવો, બટર, ચીઝ, ઘી માંથી બનેલી મીઠાઇ જપ્તઃ માવો અને દૂધની બનાવટોનો સંગ્રહ કરતા એકમો પર તવાઇ

અમદાવાદઃ તહેવારોની સિઝન શરૂ થતાં જ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાના માલના વેચાણને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ઝુંબેશ તેજ કરી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, વિભાગે તાજેતરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે, જેના ભાગરૂપે શનિવારે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગે શનિવારે માવો, બટર, ચીઝ, ગોવિંદ ઘીમાંથી બનેલી મીઠાઈ અને અન્ય ખાદ્ય સામગ્રીનો મળીને અંદાજે રૂપિયા 7 લાખની કિંમતનો 3411 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને સીલ કર્યો છે. માવો અને દૂધની બનાવટોનો સંગ્રહ કરતા એકમો પર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહ કરાયેલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન, વિભાગે માવો, બટર, ચીઝ, અને ગોવિંદ ઘીમાંથી બનાવેલી મીઠાઈ સહિતના કુલ 12 નમૂના લઈ તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ. ફૂડ વિભાગની ટીમે વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 103 નમૂના એકત્ર કર્યા છે. જેમાં પનીર, ઘી, ચીઝ, બટરના 8; માવા-મીઠાઈના સૌથી વધુ 45; ચોકલેટના 4; બેકરી પ્રોડક્ટના 2; નમકીનના 6; મેંદો-બેસનના 5; ખાદ્યતેલના 1; મસાલાના 4 અને અન્ય વસ્તુઓના 28 નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા દૂધ અને દૂધની બનાવટોના 12 નમૂના પણ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ગ્રાહકોના આરોગ્યને જોખમ પહોંચાડે તેવા 235 કિલો અને 221 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો તાત્કાલિક સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની તપાસમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા, અસ્વચ્છ અને બિનઆરોગ્યપ્રદ (અનહાઈજેનિક) પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કે સંગ્રહ કરતા 5 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
સીલ કરાયેલા એકમોના નામમાં શ્રી ગજાનંદ ડેરી એન્ડ પાર્લર, નિકોલ, ભગવાનદાસ એન. શર્મા, માવાવાળા, કાલુપુર,કનેશચંદ્ર કનૈયાલાલ માવાવાળા, કાલુપુર, મેસર્સ, હજારીલાલ શર્મા માવાવાળા, કાલુપુર,કનૈયાલાલ માવાવાળા, કાલુપુર ચાર રસ્તા નો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
