<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ગુજરાતનાં સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહૂડી જવાનું બન્યું વધુ સરળ : ૨૦ કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રીટનો ૪.૪૫ કિ.મી. ફોર લેન માર્ગ તૈયાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીલવઈ-મહૂડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું : ૧૦ મહિનામાં કામગીરી પૂર્ણ થતાં દિવાળી-કાળી ચૌદસના તહેવારોમાં લાખો શ્રદ્ધાળુઓ માટે વાહન વ્યવહાર સુલભ બનશે : ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત

અમદાવાદ/મહુડી : ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીની મુલાકાત હવે શ્રદ્ધાળુઓ માટે વધુ સરળ અને સુલભ બની છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે પીલવઈ-મહૂડી ને જોડતા ૪.૪૫ કિલોમીટર લાંબા માર્ગનું લોકાર્પણ કર્યું. આ માર્ગને ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટનો મજબૂત ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓ માટે સમય અને ઇંધણની બચત:
આ માર્ગ ચારમાર્ગીય (ફોર લેન) થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને વાહન યાતાયાત માટે વધુ સારી સુવિધા મળશે. આ વિસ્તૃતિકરણને કારણે યાત્રાળુઓના સમય અને ઇંધણની બચત થશે. વધુમાં, અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે, જેનાથી સામાન્ય વાહનચાલકોને પણ મોટો ફાયદો થશે.
દિવાળી પહેલા મોટી ભેટ:
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ફોર લેનનું કામ માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો પહેલા આ માર્ગનું લોકાર્પણ થવાથી, આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહૂડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓ માટે વાહન વ્યવહાર સુલભ બનશે.
સિમેન્ટ કોન્ક્રીટ રોડનો અભિગમ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં રોડ નેટવર્કને વધુ સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માટે સિમેન્ટ કોન્ક્રીટના રોડ નિર્માણનો અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ પાછળનો મુખ્ય હેતુ ચોમાસામાં વરસાદી પાણીની અસરોથી માર્ગોને થતું નુકશાન અટકાવવાનો છે. તદનુસાર, મહૂડી-પીલવઈ રોડ પણ મજબૂત ગુણવત્તાયુક્ત સિમેન્ટ-કોન્ક્રીટનો બનાવવામાં આવ્યો છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત લોકાર્પણ:
આ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં ૨૪ વર્ષ પૂર્ણ થઈ ૨૫મા વર્ષમાં પ્રવેશના અવસરે ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું છે. આ વિકાસ સપ્તાહમાં રાજ્યભરમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.
આ અવસરે માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ સહિત અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:15 PM IST)