<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અમદાવાદમાં દલિત અત્યાચાર મુદ્દે NSUIની રેલી:પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું

રેલી માટે અગાઉથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાથી, પોલીસે દાદાસાહેબના પગલા ચાર રસ્તા પહોંચે તે પહેલા જ રેલીને અટકાવી દીધી

અમદાવાદ :દેશભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતેથી નીકળેલી આ રેલીને દાદાસાહેબના પગલા ચાર રસ્તા પહોંચતા પહેલા જ પોલીસે અટકાવી હતી, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. તેમનો ઉદ્દેશ્ય દલિતો પર થતા અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો હતો. આ રેલી દાદાસાહેબના પગલા ચાર રસ્તા તરફ આગળ વધી રહી હતી.

જોકે, આ રેલી માટે અગાઉથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાથી, પોલીસે દાદાસાહેબના પગલા ચાર રસ્તા પહોંચે તે પહેલા જ રેલીને અટકાવી દીધી હતી. પોલીસે કાર્યકરોને આગળ વધતા રોકવાનો પ્રયાસ કરતા જ, પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી શરૂ થઈ હતી.

પોલીસે રેલીને વિખેરવા અને કાર્યકરોને અટકાવવા માટે બળપ્રયોગ કર્યો હતો. અનેક કાર્યકરોને ધક્કા મારીને પોલીસ વાન સુધી લઈ જવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકરો રસ્તા પર જ બેસી ગયા હતા, જેમને પોલીસે પગ પકડીને ખેંચીને વાનમાં બેસાડ્યા હતા. આ દરમિયાન, NSUIના અનેક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટના અંગે વાત કરતા NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, દેશમાં દલિત જજ પર જૂતું ફેંકવાની ઘટના, રાયબરેલીમાં એક દલિત યુવકની હત્યા અને એક દલિત IPS અધિકારીની આત્મહત્યા જેવી અનેક ઘટનાઓ મનુવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે બની છે. NSUI આવી માનસિકતાનો સખત વિરોધ કરે છે અને દલિતો પર થતા અત્યાચારો સામે તેમનો અવાજ બુલંદ કરતું રહેશે.

(11:47 AM IST)