News of Monday, 13th October 2025
રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી છેલ્લા પાંચ દિવસમાં રૂ. 483 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક 'વિકાસ રથ'ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન

અમદાવાદ :રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા વિકાસ રથના માધ્યમથી કુલ રૂ. 483 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા છે. આ સમયગાળા દરમિયાન, ગામડે-ગામડે ફરતા રથ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના 23,600થી વધુ લાભાર્થીઓને રૂ. 44.67 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં 1.70 લાખથી વધુ નાગરિકોએ જોડાઈને “ભારત વિકાસ શપથ” લીધા હતા, જે રાજ્યના વિકાસલક્ષી અભિયાનને વેગ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની 24 વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક 'વિકાસ રથ'ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
છેલ્લા પાંચ દિવસમાં ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના 34 વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્યઓ ઉપરાંત 7,200થી વધુ સ્થાનિક પદાધીકારી-અધિકારીઓ અને 1,72,000થી વધુ નાગરીકો જોડાયા હતા. આ પાંચ દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. 264.92 કરોડથી વધુના 4,700 કામોના લોકાર્પણ તેમજ રૂ. 218.66 કરોડથી વધુના 4,554 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના 23,600થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. 44.67 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ 1,70,000થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી. ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
