<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અમદાવાદના પાલડીમાં મુસ્તુફા શેખના બંગલા પર બુલડોઝર કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે યથાવત

અશાંત વિસ્તારમાં અરજદારે 11માંથી 9 બંગલા ખરીદ્યા હતાં: કોર્ટે સરકારમાં અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી બાંધકામ તોડવા પર સ્ટે યથાવત રાખ્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં નૂતન સર્વોદય સોસાયટીમાં સ્થિત મુસ્તુફા શેખના બંગલાના અનધિકૃત ભાગને તોડી પાડવા માટે મહાનગર પાલિકાએ આદેશ કર્યો હતો. આ આદેશને મુસ્તુફા શેખ અને ડો. દિલીપ મોદી દ્વારા હાઈકોર્ટમાં પડકારાયો હતો. આ કેસમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે સરકારમાં અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી બાંધકામ તોડવા પર સ્ટે યથાવત રાખ્યો છે 

હાઈકોર્ટે સુનાવણીમાં એવું અવલોકન કર્યું હતું કે, આ કેસ અશાંતધારા સંલગ્ન છે અને અરજદારે પૂર્વ મંજૂરી વિના ડિસ્ટર્બ એરિયામાં 11માંથી 9 બંગલા ખરીદી લીધા છે. મહાનગર પાલિકા દ્વારા આ બાંધકામને તોડવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ડિમોલિશન નિષ્ફળ રહ્યું હતું. સરકારી વકીલે કોર્ટમાં અરજદારની અરજી મુદ્દે કહ્યું હતું કે, અરજદારે અશાંત વિસ્તારમાં ડો. દિલીપ મોજી પાસેથી બંગલો ખરીદ્યો હતો પણ ઓથોરિટીની મંજૂરી મેળવી નહોતી. જેથી વેચાણ કરાર અગાઉથી જ ગેરકાયદેસર છે.

કોર્ટે બંને બાજુની દલીલો સાંભળીને બંગલાના બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કામગીરી પર સ્ટેનો હુકમ યથાવત રાખ્યો હતો. કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે, જો અરજદાર વિરૂદ્ધ હુકમ થાય તો પણ કોર્પોરેશન અરજદારને પૂરતો વાજબી સમય આપશે. કોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે, કોઈપણ મંજૂરી વિના આ બાંધકામોમાં નવું સ્ટ્રકચર બનાવી દેવાયું છે. જેથી ડિમોલિશનની કામગીરી યોગ્ય છે. પરંતુ કોર્ટે GRUDAના નિયમ હેઠળ સરકારમાં પેન્ડિંગ અપીલ સુધી બાંધકામ તોડવા પર સ્ટે યથાવત રાખ્યો હતો.

(7:40 PM IST)