<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ગુજરાતી સાહિત્‍યનો વૈભવ પ્રગટ કરતું લલિત ખંભાયતાનું અનોખું પુસ્‍તક ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય'

ગુજરાત, સાહિત્‍ય અને ગુજરાતી ભાષા સાથે જોડાયેલા ઐતિહાસિક દસ્‍તાવેજોનું અનોખું સંકલન : રખડે એ રાજા, રખડે એ મહારાજા, એ નગરનું નામ ખાડવપ્રસ્‍થ જેવા બેસ્‍ટસેલર પુસ્‍તકો આપનાર લલિતભાઇનું આ નવું પુસ્‍તક છે : નોંધનીય બાબત એ છે કે દરેક લેખ શરૂ થાય તેની પહેલા તે લેખ વિશે અજાણી વાતો ૨ થી ૪ લાઇનમાં હાઇલાઇટ કરી અપાઇ

રાજકોટ. તા.૧૧ : ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્‍તક કોણે લખ્‍યું?, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઇ છે?,  ગુજરાતી ભાષાના પ્રથમ નાટકમાં શું હતું?, ગુજરાતનું પ્રથમ સંગ્રહાલય કેવું હતું?, આવી અનેક અજાણી અને રસપ્રદ વાતો કરતું પુસ્‍તક એટલે અકાદમી યુવા ગૌરવ પુરસ્‍કાર લેખક પત્રકાર લલિત ખંભાયતાની કલમે તૈયાર થયેલુ સરસ મજાનું પુસ્‍તક ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય'.  ગુજરાત, સાહિત્‍ય અને ગુજરાતી ભાષા સાથે જોડાયેલા ઐતિહાસિક દસ્‍તાવેજોનું અનોખું સંકલન આ પુસ્‍તક અખબારી પાના ઉપર પ્રગટ થયેલો ગુજરાતી સાહિત્‍યનો વૈભવ દર્શાવે છે. રખડે એ રાજા, રખડે એ મહારાજા, એ નગરનું નામ ખાડવપ્રસ્‍થ જેવા બેસ્‍ટસેલર પુસ્‍તકો આપનાર લલિતભાઇનું નવું પુસ્‍તક ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય હવે ઉપલબ્‍ધ બન્‍યું છે.

આ પુસ્‍તક શા માટે વસાવવું જોઇએ? તેના જવાબમાં એટલું કહી શકાય કે, ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય' પુસ્‍તક દ્વારા લલિત ખંભાયતાએ ગુજરાતી સાહિત્‍ય પ્રત્‍યે રુચિ વધે તેવું વાતાવરણ સર્જવાનું અદકેરૂ કાર્ય કર્યું છે. તેમની પત્રકારત્‍વની સફર દરમિયાન ઉતાવળે સર્જાયેલા એટલે કે પત્રકારત્‍વ દરમિયાન 'સમયાંતર' કોલમ કે વિશેષ પાનાં માટે લખાયેલા લેખો છે. કેટલાક માત્ર બ્‍લોગ માટે લખાયેલા લેખો છે. પણ વિષયની શોધમાં પુસ્‍તકાલયોથી માંડીને અન્‍ય સંદર્ભો ફંફોસવા પૂરતો સમય અપાયો છે. છતાંય ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય છે એમ કહેવામાં કશું ખોટું નથી. માટે પુસ્‍તકનું એ નામ પસંદ કરાયું છે.

૧૬૮ પાનાના આ પુસ્‍તકના પાના પલટાવો ત્‍યારે લેખકે વિષયો માટે કરેલા ખેડાણની ઝાંખી સ્‍પષ્ટ દર્શાય છે. પુસ્‍તકમાં ‘પ્રથમ ગુજરાતિ પુસ્‍તક જે અંગ્રેજે લખ્‍યું હતું!', નર્મકોશ : ભાષાને વળગેલું ભૂર.., જુલે વર્ન : સમુદ્ર તળિયાથી ચંદ્રની સપાટી સુધીની સફર, મેઘાણી પરિવારનું સાહિત્‍ય સર્જન, પ્રકૃતિમાં લીન થયેલા કવિ કાગની કથા, શેક્‍સપિયરે અંગ્રેજી ભાષાને શું આપ્‍યું?, મિર્ઝા ગાલિબ, ગુજરાતી પત્રકાત્‍વનો ઇતિહાસ.... સહિત ૨૩ વિધવિધ વિષયો આ પુસ્‍તકમાં સ્‍પર્શ્‍યા છે. દરેક લેખમાં તેને અનુંરૂપ દુર્લભ કહી શકાય તેવા ફોટોગ્રાફ, હસ્‍તાક્ષર ખુબ સુંદર રીતે આવરી લેવાયા છે. નોંધનીય બાબત એ છે કે દરેક લેખ શરૂ થાય તેની પહેલા તે લેખ વિશે અજાણી વાતો ૨ થી ૪ લાઇનમાં હાઇલાઇટ કરી અપાઇ છે. વધુમાં જ્‍યાં લેખકને જરૂર લાગી તે લેખોમાં કંઇક નવીજ વસ્‍તુ બોક્‍સ કરીને સમાવી લેવાઇ છે જેથી લોકો સરળતાથી વાંચી અને જાણી શકે.

લલિત ખંભાયતાએ પુસ્‍તકમાં લખ્‍યું છે કે, અંગ્રેજ કવિ મેથ્‍યુ અર્નોલ્‍ડે (૧૮૨૨-૧૮૮૮)ના નામે અંગ્રેજીમાં એવું વિધાન કર્યું છે કે, ‘જર્નલિઝમ ઈઝ લિટરેચર ઇન હરી'. એ રીતે પત્રકારત્‍વ એ ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય ગણાયું. ઉતાવળે સર્જાયું હોવા છતાં સાહિત્‍ય તો છે જ. કોઈ ગણે ન ગણે એનાથી વાચક કે સર્જકને ફરક પડતો નથી, પડવો પણ ન જોઈએ. એટલે ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય' પુસ્‍તકમાં જે ૨૩ વિષયો આવરી લેવાયા છે તેમાંથી મોટા ભાગના લેખો લેખકના અખબારી લેખનનીજ નીપજ છે. હવે તેમાં કેટલી ઉતાવળ છે અને કેટલું સાહિત્‍ય છે એ તો વાંચકોએજ નક્કી કરવું પડશે. એના માટે આ પુસ્‍તક વાંચવુંજ રહ્યું છે

લેખક લલિતભાઈ ખંભાયતાનો પરિચય..

લલિતભાઇ બાબુભાઈ ખંભાયતા ૨૦૦૭થી ગુજરાતી પત્રકારત્‍વ-લેખનમાં સક્રિય છે. રાજકોટના આર્થિક દૈનિક ‘કોમોડિટી વર્લ્‍ડ'થી કારકિર્દી શરૂ કર્યા પછી 'સંદેશ', 'ગુજરાત સમાચાર' વગેરે અગ્રણી અખબારોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. હવે તેઓ ‘‘દિવ્‍ય ભાસ્‍કર'ના પૂર્તિ સંપાદક છે. અજાણ્‍યા વિષયો ફંફોસવા, જાણીતા વિષય પર અજાણી માહિતી રજૂ કરવી, વિષયમાં ઊંડું ઊતરીને નવી માહિતી આપવી એ તેમનો શોખ રહ્યો છે. ગુજરાતી સાહિત્‍ય, વિજ્ઞાન-ટેક્રોલોજી, ઇતિહાસ, અર્થશાષ, રમત-ગમત. એમ લગભગ તમામ વિષયો પર એમણે લેખન કર્યું છે. સવા દાયકાથી 'સમયાંતર' નામે કોલમ લખે છે, જેમાં ઉપર ઉલ્‍લેખ કર્યો એવા બધા વિષયો સમાવી લેવાતા હોય છે. તો હોલિવૂડ ફિલ્‍મો વિશે પણ નિયમિત લખે છે. પ્રવાસનાં ૩, વ્‍યક્‍તિચિત્રોનાં ૩, કિશોર સાહસકથા ૧, જેમ્‍સ બોન્‍ડ ફિલ્‍મો અંગેનું એક એમ કુલ ૮ પુસ્‍તકો તેમણે લખ્‍યાં છે. ‘ગુજરાતી સાહિત્‍ય અકાદમી' દ્વારા વર્ષ ૨૦૨૨નો યુવા ગૌરવ પુરસ્‍કાર તેમને મળ્‍યો છે. તો વળી પત્રકારત્‍વમાં અર્થપૂર્ણ કામગીરી બદલ રાષ્ટ્રસંઘનો ટેકો ધરાવતો ‘લાડલી મીડિયા ઍવોર્ડ' પણ મેળવી ચૂક્‍યા છે.

‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍ય' પુસ્‍તક

લેખક : લલિતભાઇ ખંભાયતા

પ્રથમ આવૃતિ : ઓક્‍ટોબર ૨૦૨૫

કિંમત : રૂ. ૩૪૯

પેઇજ : ૧૭૦

પ્રકાશક : મહેન્‍દ્ર પી. શાહ, નવભારત સાહિત્‍ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ

ફોન : (૦૭૯) ૨૨૧૩૯૨૫૩

સંપર્ક : લલિત ખંભાયતા

મોબાઇલ : ૯૯૭૯૭ ૫૮૧૦૯

ઇમેલ : [email protected]

(11:37 AM IST)