તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th October 2025
સુરતના વલંજા ગામે ધૂણીને જોવાનું કામ કરતા ભુઇમાંનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ
માતા પિતા જ ધૂણવાની તાલીમ આપીને દીકરીને આવુ કરવા મજબુર કરતા હતા : દૂઃખ દર્દ મટાડવા, સમસ્યાનો ઉકેલ લાવવા રૂ. ૨૧૦૦૦ થી રૂ.૧,૫૦,૦૦૦ સુધીની રકમો વસુલાતી હતી : અંતે ધતીંગનો પર્દાફાશ : હવે આવુ બધુ બંધ કરવા કબુલાતનામુ

રાજકોટ તા. ૧૪ : સુરતના વલંજા ગામની પાછળ લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દીકરીને ભુઇમાં બનાવી છેલ્લા ૧૦ વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે છેતરપીંડી આચરાતી હોવાની માહિતીના આધારે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદથી આ ધતીંગનો ૧૨૭૮મો સફળ પર્દાફાશ કર્યો હતો.
વિજ્ઞાન જાથાને એવી માહિતી મળી હતી કે મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકીયાના જયસુખ ઉર્ફે જયેશ જીણાભાઇ બરવાળીયા અને પ્રિયાબેન ઉર્ફે પુષ્પાબેન ભાવનગર જિલ્લાના ડમરાળા ગામના બન્ને પતિ પત્નિ ષડયંત્ર રચી પોતાની પાંચમી દીકરી જાનુને ચુડેલ માતાનો અવતાર, મોગલ માંની ભુઇ જાહેર કરી લોકોની શ્રધ્ધા સાથે ખીલવાડ કરતા હતા. દુઃખ દર્દ મટાડવા, સમસ્યાઓનો ઉકેલ, ધંધા-રોજગાર માટે ટેક બાધા, પીડિતોના પ્રશ્નો ઉકેલવા રૂ.૨૧૦૦૦ થી લઇને રૂ.૧,૫૦,૦૦૦ સુધીની રકમ વસુલાતી હતી. દીકરી આરતીને ધૂણવા સાથે તલવારનો રાસ રમતા શીખવી દેવાયુ હતુ. જેનાથી શ્રધ્ધાળુઓ પ્રભાવિત થતા હતા.
વિજ્ઞાન જાથાએ આ માહિતીના આધારે ટીમ મોકલી ખરાઇ કરાવી અને બાદમાં રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને સુરત પોલીસ કમિશ્નર શ્રી અનોપસિંઘને પત્ર પાઠવતા ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદ ફાળવવામાં આવી હતી.
બાદમાં પોલીસ ઇન્સ. એન.જી. પટેલ, એ.એસ.આઇ. દીલીપભાઇ દાનાભાઇ, હેડ કોન્સ. સુખીબેન દાનાજી, હેડ કોન્સ. પાયલબેન ભીમજીભાઇ, પો. કોન્સ. વિજયભાઇ સુરજીભાઇ, પો. કોન્સ. મુકેશભાઇ મોહનભાઇ તેમજ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા, સદસ્યા ભાનુબેન ગોહીલ, ભક્તિબેન રાજગોર, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, સ્થાનિક કમળાબેન મકવાણા, કિંજલબેન પટેલ સહીતનાની ટીમ સ્થળ પર પહોંચી હતી.
પહેલા તો જયસુખભાઇ આ બધાને જોઇ હેબતાઇ ગયા અને માતાજીના મઢ બતાવવાને બદલે અન્ય રૂમ તરફ લઇ ગયા. પરંતુ રૂમમાંથી આરતી અને ધૂણવાનો અવાજ આવતો હોય પર્દાફાશ કરવા આવેલ ટીમે બધુ પકડી પાડયુ હતુ. અંદર ધૂણી રહેલ જાનુની પુછપરછ કરતા હેબતાઇ ગઇ હતી. મને આવુ ગમતુ નથી, પણ મારા માતા પિતા મારી પાસે આવુ કરાવે છે તેવી કેફીયત આપી હતી. એટલુ જ નહીં મઢમાં મોડે સુધી બેસી રહેતા એક સેવક દ્વારા ભુઇમા સાથે શારીરિક શોષણની વાતો પણ બહાર આવતા જાથાની ટીમ અને પોલીસ સ્ટાફ ચોંકી ગયો હતો.
ભુઇમા અને તેમના માતા પિતાએ આ બધુ બંધ કરી દેવાની જાહેરાત કરી અને એક વખત માફી આપી દેવા વિનવણીઓ શરૂ કરી હતી. જાથા અને પોલીસ તંત્રએ આ પરિવારને પોલીસ સ્ટેશને લઇ જવાની વ્યવસ્થા કરી હતી. જયાં જયસુખ બરવાળીયા, પ્રિયાબેન અને મોટી દિકરી આયુષીએ કબુલાતનામુ આપી હવેથી દોરા-ધાગા, જોવાનું બાધા ટેક અને પધરામણીનું કામ બંધ કરવા તથા લોકોને છેતરવાનું કાયમી ધોરણે બંધ કરવા જાહેરાત કરી હતી.
ભૂઇ જાનુઆઇના ધૂણવાના આ પ્રકરણમાં જે કોઇ પીડિત, ભોગ બન્યા હોય તેઓએ પણ આગળ આવવા વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અપીલ કરી છે અને આ અંગેની વિગતો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જણાવવા યાદીમાં જણાવેલ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
