<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત બે દિવસ ગુજરાતના પ્રવાસે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરશે : અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

આજે અને આવતીકાલે બંને દિવસ ભાગવત RSS કાર્યાલય ખાતે સતત બેઠકોનો દોર ચાલુ રાખશે : બેઠકમાં પ્રાંતીય અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ હાજર રહેશે. ચર્ચાનો મુખ્ય ફોકસ “સામાજિક એકતા, રાષ્ટ્રીય મૂલ્યો અને સેવાભાવ” પર રહેશે

અમદાવાદ તા.૧૪ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે છે. ભાગવત 14 અને 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વિવિધ ધાર્મિક, સંગઠનાત્મક અને રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે.

 

RSS સુપ્રીમો મોહન ભાગવત બે દિવસ ગુજરાતના પ્રવાસને રાજકીય અને સંઘીય બંને પરિપ્રેક્ષમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આગામી રાજકીય નિર્ણયો અને તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને મોહન ભાગવત આજે સવારે અમદાવાદ પહોંચ્યા બાદ સીધા ડૉ. હેડગેવાર ભવન મણીનગર કાંકરિયા ખાતે બેઠક કરશે. RSSના મુખ્ય કાર્યાલય તરફ રવાના થયા થશે. અહીં તેણે સ્થાનિક સંઘના કાર્યકર્તાઓ સાથે આંતરિક બેઠક યોજી, જેમાં સંગઠનના કાર્ય, સેવા પ્રવૃત્તિઓ અને આગામી વર્ષની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. 14 ઑક્ટોબરનાં બપોર બાદ તે ગાંધીનગરના કોબા વિસ્તારમાં યોજાનાર એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ “પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર” ખાતે આયોજિત છે, જ્યાં આધ્યાત્મિક સંત આચાર્ય મહાશ્રમણજી સાથે પણ તેની મુલાકાત નક્કી છે.

 

ભાગવત તેમના પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા સંગઠનાત્મક કાર્યો, ધાર્મિક પ્રવૃત્તિઓ અને કેન્દ્ર-રાજ્ય સંકલન અંગે ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત મંત્રીમંડળના સંભવિત વિસ્તરણના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ બની શકે છે. ભાગવત સંઘના દ્રષ્ટિકોણથી કેટલીક મહત્વપૂર્ણ સલાહો આપી શકે છે, જે રાજકીય દિશા નિર્ધારણમાં અસરકારક સાબિત થઈ શકે છે.

 

RSS કાર્યકર્તાઓ સાથે બેઠક અને માર્ગદર્શન

 

આજે અને આવતીકાલે બંને દિવસ ભાગવત RSS કાર્યાલય ખાતે સતત બેઠકોનો દોર ચાલુ રાખશે. આ બેઠકમાં પ્રાંતીય અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ હાજર રહેશે. ચર્ચાનો મુખ્ય ફોકસ “સામાજિક એકતા, રાષ્ટ્રીય મૂલ્યો અને સેવાભાવ” પર રહેશે. ભાગવતની બેઠકમાં યુવા સ્વયંસેવકો અને શિક્ષણ ક્ષેત્રના સંકલનકારોને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેથી આગામી વર્ષ માટે સંઘની દિશા વધુ પ્રબળ બને.

 

આધ્યાત્મિક કાર્યક્રમોમાં સામેલ

 

ભાગવતના પ્રવાસનો એક મહત્વપૂર્ણ ભાગ આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલો છે. પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે તેઓ આચાર્ય મહાશ્રમણજી સાથે આધ્યાત્મિક સંવાદ કરશે. આ બેઠકમાં “રાષ્ટ્રનિર્માણમાં આધ્યાત્મિકતાનો ફાળો” વિષય પર વિચારવિમર્શ થશે. RSSના તત્વજ્ઞાન અનુસાર આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય સેવા એકબીજાના પૂરક છે એ વિચારોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી આ બેઠકને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

 

રાજકીય અર્થે મુલાકાત

 

દિવાળી પૂર્વે ભાગવતનો આ ગુજરાત પ્રવાસ માત્ર સંગઠનાત્મક નહીં પરંતુ રાજકીય રીતે પણ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ કેટલાક રાજ્યોમાં ચૂંટણીની ઘોષણા થવાની છે, તેથી સંઘના વડાની હાજરી રાજ્યમાં ભાજપની આંતરિક તૈયારી માટે પણ સંકેત આપી શકે છે. સંઘના સૂત્રો કહે છે કે ભાગવત આ પ્રવાસ દરમિયાન સામાન્ય કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ નેતાઓ સુધી સૌ સાથે સીધી વાતચીત કરશે.

 

15 ઓક્ટોબરે, ભાગવત અમદાવાદમાં યોજાનાર સમાપન કાર્યક્રમમાં “એક ભારત શક્તિશાળી ભારત” વિષય પર સંબોધન કરશે. અહીં તે સંઘના આગામી કાર્યક્રમો, સામાજિક જવાબદારી અને યુવાનોના ફાળો વિશે માર્ગદર્શન આપશે. આ રીતે મોહન ભાગવતનો આ દ્વિદિવસીય પ્રવાસ માત્ર RSS માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ચર્ચાનો વિષય બન્યો છે. સંગઠન, આધ્યાત્મિકતા અને રાજકીય સમન્વયના ત્રિઆયામથી આ મુલાકાત એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.

(4:25 PM IST)