News of Tuesday, 14th October 2025
દિવાળીનો મહાપર્વ નજીક આવતા બજારોમાં ફટાકડાની રોનક : ગુજરાતમાં 'મિની શિવાકાશી' તરીકે પ્રખ્યાત અમદાવાદના વાંચ ગામમાં 350થી વધુ વેરાયટીના ફટાકડાનું ઉત્પાદન : આ વર્ષે ફટાકડાના ભાવમાં મોટો વધારો થયો
સેકન્ડોમાં ફૂટી જતાં ફટાકડાને બનાવવામાં ઘણી મહેનત લાગે છે સામાન્ય રીતે એક ફટાકડાને બનતા ઓછામાં ઓછા ત્રણ કલાકથી લઈને વધુમાં વધુ બે દિવસ સુધીનો સમય લાગી શકે છે

અમદાવાદ તા.૧૪ :દિવાળીનો મહાપર્વ નજીક છે અને બજારોમાં ફટાકડાની રોનક જોવા મળી રહી છે. ગુજરાતમાં 'મિની શિવાકાશી' તરીકે પ્રખ્યાત અમદાવાદનું વાંચ ગામ પણ આ ધમધમાટમાં સામેલ છે. વાંચ ગામમાં 350થી વધુ વેરાયટીના ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ સાથે જ આ વર્ષે ફટાકડાના ભાવમાં મોટો વધારો થયો છે.
અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ ફટાકડા ઉદ્યોગનું મોટું હબ ગણાય છે. અહીં નાની-મોટી અનેક ફેક્ટરીઓમાં દિવાળીના 6 મહિના પહેલાંથી જ ઉત્પાદન શરૂ થઈ જાય છે. અહીં તમને 350 થી વધુ જુદી જુદી વેરાયટીમાં ફટાકડા મળે છે. ફેક્ટરી માલિકોના મતે, આ વર્ષે માર્કેટમાં 40%નો વધારો જોવા મળ્યો છે, જેને કારણે ફટાકડાના ભાવમાં પણ આશરે 40% સુધીનો વધારો થયો છે. આ ભાવવધારો મુખ્યત્વે કેમિકલ, મટિરિઅલ અને કામદારોની મજૂરીના ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો છે. ફેક્ટરી માલિકો તેમજ મજૂરોમાં ખુશીનો માહોલ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સેકન્ડોમાં ફૂટી જતાં ફટાકડાને બનાવવામાં ઘણી મહેનત લાગે છે. સામાન્ય રીતે, એક ફટાકડાને બનતા ઓછામાં ઓછા ત્રણ કલાકથી લઈને વધુમાં વધુ બે દિવસ સુધીનો સમય લાગી શકે છે. ફેક્ટરી માલિક ભૌમિક શાહ જણાવે છે કે 555 બોમ્બ, મીરચી બોમ્બ અને કોઠી જેવા ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં બે દિવસ લાગે છે, કારણ કે દારૂખાનું લગાવ્યા બાદ તેની દિવેટને બે દિવસ સુધી તડકામાં સુકવવી ફરજિયાત હોય છે. તેમની ફેક્ટરીમાં ડ્રોન, બટરફ્લાય, પોપઅપ જેવા વિવિધ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે.
વાંચ ગામની ફટાકડા ફેક્ટરીઓ વર્ષ દરમિયાન આશરે એકથી સવા કરોડ રૂપિયાનું ઉત્પાદન કરીને હોલસેલ ભાવે વેચાણ કરે છે. અહીં હોલસેલ અને રિટેલ એમ બંને ભાવે ફટાકડા મળે છે, જેથી દરેક વર્ગના લોકો સારી ગુણવત્તાવાળા વધુ ફટાકડાની ખરીદી કરી શકે. દિવાળીના કારણે આખા ગામમાં ઉત્સાહનો માહોલ છે. વાંચ ગામનો આ ઉદ્યોગ દિવાળીની રોનક વધારવાની સાથે સાથે અનેક સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે. જોકે, ભાવવધારા છતાં બજારમાં ખરીદી સારી રહેવાની આશા છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
