<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સુરતની કોર્ટનો બળાત્કારના કેસમાં ઐતિહાસિક ચૂકાદો :આરોપીને અંતિમશ્વાસ સુધી કેદની સજા

2024માં એક યુવકે પોતાના પડોશમાં રહેતી માત્ર પાંચ વર્ષની બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી: સુરતમાં પ્રથમ BNS બળાત્કાર ચુકાદો

 સુરત :નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા અમલમાં આવ્યા પછીનો સુરતમાં પ્રથમ બળાત્કાર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 5 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો બાળકો અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સામે કાયદાની કડકતાનું પ્રતીક બન્યો છે, જે નવા કાયદાની અસરકારકતા દર્શાવે છે.

આ કેસની વિગતો અનુસાર 1 જુલાઈ 2024ના રોજ BNS કાયદો અમલમાં આવ્યો હતો અને માત્ર એક દિવસ પછી 2 જુલાઈના રોજ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ ભયાનક ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી (37), જે પડોશી હતો, તેણે 5 વર્ષની બાળકીને બિસ્કિટ ખરીદી આપવાની લાલચ આપીને તેને તેના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું.

 

બાળકી ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ તલાશી લીધી અને આરોપીના ઘરે પહોંચ્યા હતા. આરોપીએ દરવાજો નહીં ખોલતાં સ્થાનિકો અને પરિજનોએ ઘરનું દરવાજું તોડીને બાળકીને પરત મેળવી લીધી હતી. તે પછી તરત જ પોલીસને આની જાણકારી આપતા થોડી વારમાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. આ દરમિયાન બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી લીધી હતી અને યુદ્ધના ધોરણે આગળની કાર્યવાહી હાથ તપાસ હાથ ધરી હતી. માત્ર 16 દિવસમાં 240 પાનાંની વિગતવાર ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જેમાં 25 સાક્ષીઓના નિવેદનો, વીડિયો પંચનામા અને તબીબી પુરાવા સામેલ છે. આ ઝડપી કાર્યવાહીથી કોર્ટ પણ પ્રભાવિત થયું અને BNSની કલમ 65(2) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં POCSO કલમ હેઠળ 10,000 રૂપિયાનો દંડ અને વધારાના 2 વર્ષની કેદ પણ ફટકારવામાં આવી છે.

(6:23 PM IST)