<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સુરતના પૂણા અને યોગીચોકમાં બે અલગ-અલગ ડેરીઓમાં આરોગ્ય વિભાગનો દરોડો :80 કિલો માખણનો જથ્થો જપ્ત

ખોડીયાર ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો તેમજ સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો

સુરતના પુણા અને યોગીચોક સ્થિત આવેલી બે અલગ-અલગ ડેરીઓમાં SOG પોલીસની ટીમે મનપાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી અને ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બંને ડેરીઓમાંથી માખણના જરૂરી સેમ્પલો લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને નમુના ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે મનપાના ફૂડ સેફટી ઓફિસરોને સાથે રાખીને પુણા અને યોગીચોક સ્થિત આવેલી ખોડીયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખોડીયાર ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો.

આમ કુલ 80 કિલો શંકાસ્પદ માખણ તેમજ 70 કિલો માખણ બનાવવા માટેનું રો મટીરીયલ તથા ક્રીમનો જથ્થો મળી આવતા કુલ 36 હજારનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલા શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જો નમુના ફેલ થશે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફૂડ સેફટી ઓફિસર કીર્તિભાઈ પટેલએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં મીઠાઈ તેમજ દૂધ, માવા વગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં ચકાસણી હાલ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજી પોલીસની ટીમને પુણાગામ સ્થિત ખોડીયાર ડેરી એન્ડ બેકરી અને યોગીચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરીમાં શંકાસ્પદ માખણ વેચાતું હોય એવી માહિતી મળી હોય એસઓજી પોલીસની ટીમ અને એસએમસીની ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પણે આ બંને ડેરીઓમાં ચકાસણી કરવામાં આવી હતી.

આ સંસ્થામાંથી 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો છે. જેમાં નમુના લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ નમુનામાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(6:25 PM IST)