<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ : યુજીવીસીએલ ચાંગોદર સબ ડિવિઝનનો જુનિયર આસિસ્ટન્ટ ₹૧૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

ફાર્મા કંપનીના મીટરનો લોડ વધારવાનું કામ પતાવી આપવા માટે યુજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટે લાંચ માંગી : જાગૃત નાગરિકની ફરિયાદને આધારે રંગેહાથ પકડી પાડી ગુનો દાખલ

અમદાવાદ, ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આજે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી યુ.જી.વી.સી.એલ. (UGVCL) ની કચેરીના એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ACBએ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચાર પર સપાટો બોલાવ્યો હતો.
પકડાયેલા આરોપીની વિગતો:
આરોપીનું નામ ધનરાજ દિપકકુમાર પટેલ (ઉં.વ. ૩૬) છે, જે યુ.જી.વી.સી.એલ.ના ચાંગોદર સબ ડિવિઝન ખાતે જુનિયર આસિસ્ટન્ટ (વર્ગ-૩) તરીકે ફરજ બજાવે છે. તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે.
ગુનાની વિગત:
ફરિયાદી, જેઓ એક ફાર્મા કંપની ધરાવે છે, તેમણે પોતાની કંપનીમાં મીટરનો લોડ વધારવા માટે યુ.જી.વી.સી.એલ.ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી હતી અને જરૂરી ફી ભરી હતી. આ મીટર લોડ વધારાનું તમામ કામ ઝડપથી પતાવી આપવા માટે 'વ્યવહાર પેટે' આરોપી ધનરાજ પટેલે ફરિયાદી પાસેથી ₹૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને તે રકમ આજે આપવાનો વાયદો કર્યો હતો.
લાંચ લેતા પકડાયો:
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામી અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
લાંચના છટકા દરમિયાન, આરોપી ધનરાજ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹૧૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારી લીધી હતી. આ લાંચની રકમ ગુનાના સ્થળેથી જ રીકવર કરવામાં આવી હતી. ગુનાનું સ્થળ યુ.જી.વી.સી.એલ., ચાંગોદર સબ ડિવિઝનની ઓફિસની નીચે, આર.જી. સીટી મોલના પાર્કિંગ એરિયામાં ઇસ્કોન ગાઠીયા રથની પાસે હતું.
આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

(2:41 PM IST)