તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
ગુજરાત કેબિનેટ વિસ્તરણની છેલ્લી ઘડીની તૈયારીઓ : જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મહામંથન : મોડી રાત્રે CM સાથે રાજભવનમાં બેઠક
નવા મંત્રીઓની પસંદગી અને શપથવિધિના આયોજન અંગે ચર્ચા : કૃષિમંત્રી રાઘવજી પટેલની વિદાય નિશ્ચિત, ઓફિસ ખાલી કરાઈ : સ્વર્ણિમ સંકુલમાં વધુ બે કેબિનેટ મંત્રીઓ માટે ચેમ્બરની સફાઈ શરૂ

ગાંધીનગર : ગુજરાતમાં આવતીકાલે યોજાનાર નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે આજે મોડી રાત સુધી રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત પહોંચ્યા બાદ તેમની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી.
મંત્રીમંડળની રચના અંગે મંથન:
સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આ બેઠકમાં નવા મંત્રીઓની અંતિમ પસંદગી, તેમને જાણ કરવાની પ્રક્રિયા અને મહાત્મા મંદિર ખાતે યોજાનાર શપથગ્રહણ સમારોહના આયોજન અંગેની વિગતો મેળવવામાં આવી હતી.
રાજભવનમાં મુખ્યમંત્રી સાથે બેઠક:
બેઠક પૂર્ણ કર્યા બાદ જે.પી. નડ્ડા રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેઓ મુખ્યમંત્રી સાથે વધુ એક બેઠક કરશે. આ બેઠકમાં રાજીનામા આપી ચૂકેલા મંત્રીઓ સંદર્ભે વિગતો મેળવાશે. આ બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને રાજીનામા આપેલા મંત્રીઓની યાદી અને નવા પસંદ કરાયેલા મંત્રીઓની અંતિમ યાદી સુપરત કરશે.
વિદાય લેતા મંત્રીઓ સાથે ભોજન:
આજના દિવસના અંતે, જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદાય લઈ રહેલા મંત્રીઓ સાથે ભોજન લેશે. આ ભોજન સમારોહમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને મહામંત્રી રજની પટેલ સહિતના હોદ્દેદારો પણ હાજરી આપશે.
કૃષિમંત્રી રાઘવજી પટેલની વિદાય નિશ્ચિત:
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આવેલી તેમની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે અને તમામ સામાન ખસેડી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાદુરસ્ત તબિયતના કારણોસર નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરાયો નથી.
સ્વર્ણિમ સંકુલમાં બે નવી ચેમ્બર તૈયાર:
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ના પહેલા માળે આવેલી બે ચેમ્બરની આજે સફાઈ અને તૈયારીઓ કરવામાં આવી હતી. હાલ પહેલા માળે ૩ મંત્રીઓની ચેમ્બર કાર્યરત છે. બાકીની ૨ ચેમ્બરની સફાઈના પગલે એવી અટકળો તેજ બની છે કે વિસ્તરણ બાદ કેબિનેટ કક્ષાના વધુ બે મંત્રીઓનો ઉમેરો થશે, જેમને આ ચેમ્બરો ફાળવવામાં આવી શકે છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
