<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વર્ણિમ સંકુલમાં વિધિવત્ ચાર્જ સંભાળ્યો : ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે જનસુખકારી માટે પ્રાર્થના કરી

ચાર્જ સંભાળ્યા બાદ શ્રી સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી : સાથી મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓના અનુભવનું માર્ગદર્શન મેળવી નાગરિકોની સુખાકારી વધારવાની દિશામાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી : રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શુભેચ્છકોએ રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર : ગુજરાતના નવા નિયુક્ત થયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે વિધિવત્ રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે, તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાનો અવસર મળ્યો છે અને તેઓ આ જવાબદારીને પૂર્ણ સમર્પણ સાથે નિભાવશે.
કાર્યભાર સંભાળ્યા બાદ તુરંત જ નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સાથી મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ સાથે પણ બેઠકો યોજીને તેમના અનુભવનું માર્ગદર્શન મેળવવામાં આવશે. તેમના સહયોગથી ગુજરાતના નાગરિકોની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય તે દિશામાં તેઓ કામ કરવા પ્રતિબદ્ધ છે.
ચાર્જ સંભાળવાના આ મહત્વના પ્રસંગે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે હર્ષ સંઘવીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

(4:52 PM IST)