<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ! સુરતના વેસુમાં મંગલમ પેલેસ પર પોલીસના દરોડાઃ ઉદ્યોગપતિઓ અને સરકારી કર્મચારીઓ સહિત ૧૭ની ધરપકડ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ કાર્યવાહીને દારૂબંધી કાયદાના કડક અમલ તરફનું મોટું પગલું ગણાવ્યું

સુરત. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતી વધુ એક હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આગમ વર્લ્ડ સામે આવેલા મંગલમ પેલેસના ૧૧મા માળે મોડી રાત્રે ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં કુલ ૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલાઓમાં વેસુ, અલથાણ, સિટી લાઈટ જેવા સમૃદ્ધ વિસ્તારોના અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ અને યુવાન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
પોલીસ ટીમે જ્યારે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો, ત્યારે ૧૭ લોકો પાર્ટી કરતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની વસ્તુઓ સહિત ₹૫.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં  સ્કોચ વ્હિસ્કીની અડધી ભરેલી ૭૫૦ મિલી બોટલ.  બે ખાલી બોટલો અને છ પ્લાસ્ટિક ગ્લાસ.  બિંગો ચિપ્સ, મસાલેદાર સેવ અને ગાંઠિયાના ત્રણ પેકેટ.  મોટી સંખ્યામાં મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્‍યા છે.
ધરપકડ કરાયેલા તમામ ૧૭ આરોપીઓને તાત્કાલિક તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્રેથલાઈઝર પરીક્ષણમાં પાંચ વ્યક્તિઓ – આદિત્ય ગોસ્વામી, વિવેક મનાણી, દીપેન ગોસ્વામી, ભૈરવ દેસાઈ અને દર્શન ચોકસીના – રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે બાકીના ૧૨ લોકોના રિપોર્ટ નેગેટિવ હતા.
પોલીસે દારૂ પીવા અને ગેરકાયદેસર રીતે દારૂ રાખવા બદલ આ બધા સામે કેસ નોંધ્યો છે. વધુ તપાસમાં બહાર આવ્યું છે કે પાર્ટી માટે દારૂ રચિત રાજીવ ખાટોર નામના વ્યક્તિ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, જે હાલમાં ફરાર છે. વેસુ પોલીસ હવે રચિત ખાટોરને પકડવા માટે સઘન દરોડા પાડી રહી છે અને દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ કાર્યવાહીને દારૂબંધી કાયદાના કડક અમલ તરફનું મોટું પગલું ગણાવ્યું છે.

(3:53 PM IST)