<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

દિવાળીના તહેવારમાં 108 EMSને 5406 ઇમરજન્સી કેસ : મારામારીમાં 144% અને અકસ્માતમાં 73%નો થયો વધારો

-- દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં કેસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી.

અમદાવાદ :108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) એ દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ કામગીરી કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. તહેવારના આ સમયગાળામાં 108ને કુલ 5,406 ઇમર્જન્સી કેસ હાથ ધરવામાં આવ્યા હતા, જે સામાન્ય દિવસોની સરેરાશની સરખામણીએ 12.06%નો વધારો દર્શાવે છે. ઇમરજન્સી કેસોમાં આ નોંધપાત્ર વધારો હોવા છતાં, 108 EMS ટીમે ઉત્કૃષ્ટ સંકલન અને પ્રોત્સાહક પ્રયાસોથી સમગ્ર ગુજરાતમાં અવિરત અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડી હતી.

તહેવારોની રજાઓમાં જાહેર પ્રવૃત્તિઓ વધવાથી માર્ગ અકસ્માત અને ઝઘડાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. માર્ગ અકસ્માતના કેસોમાં 73.18%નો મોટો વધારો નોંધાયો, જેમાં સામાન્ય ૫૩૯ કેસની સામે 919 ઇમરજન્સી નોંધાઈ હતી. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે મારામારી (ફિઝિકલ અસોલ્ટ) ના કેસોમાં 144%નો તેજ વધારો નોંધાયો, જેમાં દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. વાહન સિવાયના અકસ્માતોમાં ઇજાઓના કેસોમાં પણ 75.73%નો વધારો થયો હતો.

જિલ્લાવાર વિશ્લેષણ મુજબ, મહાનગરોમાં ઇમરજન્સી કેસમાં થયેલો વધારો સૌથી વધુ હતો. સુરતમાં 83.78% અને રાજકોટમાં 85.68%નો સૌથી મોટો વધારો નોંધાયો, જે તહેવારી મુસાફરી અને શહેરી ભીડની ગીચતા દર્શાવે છે. આ ઉપરાંત, દાહોદ, પંચમહાલ, કચ્છ, ભાવનગર, આણંદ અને ખેડા જેવા ગ્રામ્ય અને અર્ધશહેરી જિલ્લાઓમાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૨૫ કે તેથી વધુ ઇમરજન્સી નોંધાઈને નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ફટાકડાના કારણે થતા પ્રદૂષણની અસર શ્વાસ સંબંધિત ઇમરજન્સીમાં જોવા મળી હતી. શ્વાસ લેવામાં તકલીફ (Breathing Difficulty) ના કેસોમાં 4.82% નો વધારો નોંધાયો, જે પ્રદૂષણની પર્યાવરણીય અસરને સ્પષ્ટપણે દર્શાવે છે. આ સાથે, દિવાળી સંબંધિત કુલ 58 બર્ન ઇજાઓના કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ (1), સુરત (8), જામનગર (5) અને નવસારી (4) જિલ્લાઓમાં સૌથી વધુ કેસ હતા, જે ફટાકડા ફોડતી વખતે સલામતીના અભાવને સૂચવે છે.

હાલની પ્રવૃત્તિઓના આધારે, 108-EMS એ આગામી તહેવારો માટે પણ ઇમરજન્સી કેસોમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇમરજન્સી કેસોમાં 18.24%નો વધારો અને ભાઈબીજના દિવસે 12.11%નો વધારો થવાની સંભાવના છે. 108 ટીમો, ફિલ્ડ સુપરવાઈઝર, ઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર અને સપોર્ટ સ્ટાફ આ અનુમાનિત વધારાને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

(12:15 PM IST)