News of Tuesday, 21st October 2025
વડોદરામાં દિવાળીએ ફાયર બ્રિગેડને દોડધામ : એક જ રાતમાં 36 કોલ મળ્યા : તરસાલી વિસ્તારમાં ગોડાઉનમાં આગ ભભુકી
આગ લાગવાની મોટાભાગની ઘટનાઓ ફટાકડાના તણખાના કારણે બની

વડોદરા :પ્રકાશના પર્વ દિવાળીની રાતે શહેર આનંદ અને આતશબાજીથી ઝળહળી ઊઠ્યું, પરંતુ સાથે સાથે આગની ઘટનાઓએ ફાયર બ્રિગેડને પણ સતર્ક રાખ્યા. વડોદરા મહાનગર ફાયર બ્રિગેડને માત્ર એક જ રાત્રિ દરમ્યાન કુલ 36 કોલ પ્રાપ્ત થયા, જેમાંથી મોટાભાગની ઘટનાઓ ફટાકડાના તણખાના કારણે બની હતી.
તરસાલી વિસ્તારમાં ફરાસખાના નજીક આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠી, જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પવનના સુસ્વાટા સાથે જ્વાળાઓ ઝડપથી પ્રસરી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
ત્રણ જેટલા ફાયર ફાઇટર્સની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, જોકે ગોડાઉનમાં રહેલો માલસામાન બળી ખાક થઈ ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ ફટાકડાના તણખાઓ ગોડાઉનમાં જઈ પડતા આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિવાળી જેવા આનંદના પર્વ દરમિયાન આવાં બનાવો ન બને તે માટે ફાયર વિભાગે નાગરિકોને સાવચેતી રાખવાની અને ખુલ્લા વિસ્તારમાં કે દાહક સામગ્રી નજીક ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. વડોદરામાં આખી રાત ફાયર ટીમો તાત્પર્યપૂર્વક કામગીરીમાં લાગી રહી હતી જેથી શહેર સુરક્ષિત રહી શકે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
